નેપાળે અગાઉ ભગવાન રામને પોતાના ગણાવ્યા હતા ત્યારે હવે વિશ્વપ્રસીદ્ધ ગૌતમ બુદ્ધને પણ નેપાળે પોતાના ગણાવીને વધુ એક વિવાદ છેડયો છે. આ પહેલા ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે એક સમ્મેલનને સંબોધન કરતી વેળાએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ આ બન્ને એવા ભારતીય મહાપુરૂષો છે જેને દુનિયા હંમેશા યાદ રાખશે.
બુદ્ધને ભારતીય મહાપુરૂષ કહેતા નેપાળ ભડક્યું હતું અને કહ્યું હતું કે બુદ્ધ ભારતીય નહીં પણ નેપાળી છે, તેઓ નેપાળમાં જન્મ્યા હતા ભારતમાં નહીં. જેને પગલે ભગવાન રામ બાદ હવે બુદ્ધ અંગે પણ નેપાળે વિવાદ છેડયો છે.
નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઐતિહાસિક અને પૌરાણીક તથ્યોથી એ સાબિત થાય છે કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લંુબિનીમાં થયો હતો. લુંબિની બુદ્ધ અને બુદ્ધિઝમનું જન્મસૃથળ છે અને તેને યુનેસ્કોએ પણ વર્લ્ડ હેરિટેજ સૃથળ જાહેર કર્યું છે.
2014માં નેપાળ યાત્રા દરમિયાન ભારતીય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળની સંસદને સંબોધતા કહ્યું હતું કે નેપાળ એ દેશ છે કે જ્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો અને વિશ્વમાં શાંતિનો ઉદ્ધોષ થયો. નેપાળના વિદેશ મંત્રાલયે આ નિવેદન ટ્વીટર વડે જારી કર્યું હતું. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે પણ નેપાળના આરોપોનો વળતો જવાબ આપ્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળના નિવેદનો અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે વિદેશ પ્રધાન એસ. જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યુ છે, તેઓએ ભગવાન બુદ્ધના વારસા અને ધરોહરને ધ્યાનમાં રાખીને આ નિવેદન કર્યું હતું કેમ કે ભગવાન બુદ્ધ વર્ષો સુધી ભારતમાં રહ્યા હતા અને એમાં કોઇ જ શંકા નથી કે ભગવાન બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો જે હાલ નેપાળમાં છે.
આ પહેલા નેપાળના પૂર્વ વડા પ્રધાન અને નેપાળના સત્તાધારી પક્ષ નેપાળ કોમ્યૂનિસ્ટ પાર્ટીના વિદેશ વિભાગના વડા માધવ કુમાર પણ વિવાદમાં કુદી પડયા હતા, તેમણે કહ્યું હતું કે નેપાળ સરકારે તાત્કાલીક ભારત સરકાર સમક્ષ આ મામલો ઉઠાવવો જોઇએ. જ્યારે નેપાળી કોંગ્રેસના પ્રવક્તા બિસ્વા પ્રકાશ શર્માએ કહ્યું હતું કે અમારી પાસે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના દાવાની સામે પુરતા પુરાવા છે કે બુદ્ધનો જન્મ નેપાળમાં જ થયો હતો.
આ પહેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભારતીય ઉધ્યોગ સંઘ(સીઆઇઆઇ)ના સમ્મેલનને સંબોધન કરતા કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ બે એવા ભારતીયો છે કે જેઓને દુનિયા હંમેશા યાદ રાખશે. તેઓએ સવાલ કર્યો હતો કે અત્યાર સુધીમાં સૌથી મહાન ભારતીય કોણ છે કે જેને તમે યાદ રાખી શકો? હું કહીશ કે એક ગૌતમ બુદ્ધ છે અને બીજા મહાત્મા ગાંધી છે.
આ નિવેદનનું અવળુ આૃર્થઘટન કરીને નેપાળે વિવાદ છેડયો છે. અગાઉ નેપાળના વડા પ્રધાન દાવા કરી ચુક્યા છે કે ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો, આ દાવા તદ્દન જુઠા છે જ્યારે એ વાત હકિકત છે કે બુદ્ધનો જન્મ નેપાળમાં થયો હતો પણ તેઓ ભારતમાં રહ્યા હતા અને અહીં તેઓએ સાધના પણ કરી હતી.
તેઓ બિહારમાં છ વર્ષ સુધી રહ્યા હતા, બિહારના બોધ ગયામાં મહાબોધી મંદિર આવેલુ છે. હાલ નેપાળ સામાન્ય મુદ્દાઓને લઇને વિવાદ છેડવા લાગ્યું છે અગાઉ ભગવાન રામને પોતાના ગણાવવા, સરહદે ભારતીય રસ્તાનો વિરોધ કરવો અને સૈન્ય તૈનાત કરવા જેવા વિવાદો સર્જી ચુક્યું છે.
અયોધ્યાની જેમ નેપાળમાં પણ ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે. દેશની ઓલી સરકાર એ માટે મદદપૂરી પાડશે. નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ અગાઉ ભગવાન રામનું જન્મસ્થળ નેપાળમાં ઠોરી પાસેના અયોધ્યાપુરીમાં હોવાનો દાવો કર્યો હતો. ”રામનું અસલી જન્મસ્થળ નેપાળમાં જ છે.
ભારત સાંસ્કૃતિક અતિક્રમણ દ્વારા ખોટા તથ્યોના આધારે ઉત્તર પ્રદેશના અયોધ્યાને રામનું અસલી જન્મસ્થળ ગણાવી રહ્યું છે. વડાપ્રધાન ઓલીના આ નિવેદનનો ભારતમાં જબરદસ્ત વિરોધ થયો. નેપાળમાં પણ રાજકીય પક્ષો અને આમજનતાએ એનો વિરોધ કર્યો. ખુદ ઓલીના પક્ષના નેતાઓએ એમના નિવેદનનો વિરોધ કર્યો.
આમ છતાં વડાપ્રધાન ઓલી પોતાની વાતને વળગી રહ્યા અને હવે એમણે એ સ્થળે ભવ્ય રામ મંદિર નિર્માણની તૈયારી કરવાનો સંકેત આપ્યો છે. દેશની સરકારી સમાચાર એજન્સી રાષ્ટ્રીય સમાચાર સમિતિ અનુસાર વડાપ્રધાન ઓલીએ ફોન કરીને ઠોરી અને માડીના લોક પ્રતિનિધિઓને કાઠમંડુ બોલાવ્યા અને ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય મંદિર બનાવવા માટે જરૂરી બધી તૈયારી કરવાની સૂચના આપી છે.
રાષ્ટ્રીય સમાચાર સમિતિના અહેવાલ અનુસાર, નેપાળ વડાપ્રધાન ઓલીએ આગામી દશેરા પર્વે રામ મંદિર માટે ભૂમિપૂજન કરીને મંદિરનિર્માણનું કામ શરૂ કરવાનો સંકેત આપ્યો છે. એમણે બે વર્ષ પછી રામનવમીના અવસરે ભગવાનની મૂર્તિનું અનાવરણ કરી શકાય એ હિસાબે કામને આગળ વધારવાની સૂચના આપી છે.
મંદિર નિર્માણ માટે નેપાળ સરકાર દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવાનું આશ્વાસન પણ અપાયું છે. વડાપ્રધાન ઓલીએ જણાવ્યું છે કે અયોધ્યાપુરીની સાથે જ રામાયણ સાથે સંકળાયેલા આસપાસના વિસ્તારોને પણ વિકસિત કરાશે. એમણે માડી પાસેના વાલ્મિકી આશ્રમ, સીતાજીના વનવાસ દરમિયાન રહેલા જંગલો, લકુલેશના જન્મસ્થળ વગેરે ક્ષેત્રોને પણ વિકસાવાશે, એમ જણાવ્યું.