કર્ણાટકમાં અમૂલ વર્સીસ નંદિની દૂધ વિવાદ પછી હવે તમિલનાડુમાં અમૂલનો રાજકીય વિરોધ ચાલુ થયો છે. તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને કહ્યું છે કે, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ)ને તમિલનાડુમાંથી દૂધ ખરીદવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં, સ્ટાલિને જણાવ્યું હતું કે તેમના ધ્યાન પર આવ્યું છે કે અમૂલ તેના બહુ-રાજ્ય સહકારી લાઇસન્સનો ઉપયોગ કરીને કૃષ્ણગિરી જિલ્લામાં ચિલિંગ સેન્ટર અને પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત, અમૂલ કૃષ્ણગિરી, ધર્મપુરી, વેલ્લોર, રાનીપેટ, તિરુપથુર, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાંથી દૂધ ખરીદવાની યોજના બનાવી રહી છે.
અમૂલનું કૃત્ય તમિલનાડુ એવિનના દૂધ શેડ વિસ્તારનું ઉલ્લંઘન કરે છે.સ્ટાલિને અમિત શાહને યાદ અપાવતા કહ્યું કે, સહકારી સંસ્થાઓએ એકબીજાના વિસ્તારમાં હસ્તક્ષેપ કર્યા વગર તેમનો વિકાસ થાય એવો આદર્શ રહ્યો છે. તેઓએ કહ્યું કે, આ પ્રકારની ક્રોસ પ્રોક્યોરમેન્ટ ઓપરેશન વ્હાઈટ ફ્લડની ભાવનાઓની વિરુદ્ઘ છે અને દેશમાં દૂધની અછતની સ્થિતિને જોતા ગ્રાહકો માટે સમસ્યાઓમાં વધારો કરશે.