રવિવારે (19 નવેમ્બર) અમદાવાદમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવી છઠ્ઠીવાર વર્લ્ડ કપનો તાજ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર સ્પર્ધામાં છેક સેમિફાઈનલ સુધી અજેય રહેલી ભારતીય ટીમ ફાઈનલમાં પહેલા બેટિંગમાં નબળી રહી હતી અને પછી તેના બોલર્સ પણ સાતમી ઓવર પછી નિસ્તેજ થઈ ગયા હતા.
ભારત 50 ઓવરમાં 240 રન સુધી જ પહોંચી શક્યું હતું અને ટોસ થયો એ પહેલા જ નિવૃત્ત ક્રિકેટર્સ સહિતના અભિપ્રાય મુજબ આ વિકેટ ઉપર વિજયની સ્હેજ પણ શક્યતા માટે 280 રન જેટલો સ્કોર જરૂરી હતો, તેની સામે ટીમનો સ્કોર 40-50 રન ઓછો સાબિત થયો હતો. ભારત તરફથી રોહિત શર્મા ઝમકદાર શરૂઆત પછી સતત બીજીવાર 47 રન કરી આઉટ થયો હતો, તો કોહલી અને રાહુલે અડધી સદીઓ તો કરી હતી, પણ તેમની બેટિંગ ખૂબજ ધીમી રહી હતી.
તેની સામે ઓસ્ટ્રેલિયાએ પણ સાતમી ઓવરમાં જ ત્રીજી વિકેટ તો ગુમાવી દીધી હતી, પણ એ પછી ટ્રેવિસ હેડ અને માર્નસ લબુશેને ચોથી વિકેટની ભાગીદારીમાં 192 રન કરી ઓસ્ટ્રેલિયાના વિજયની ઈમારત બુલંદ બનાવી દીધી હતી. હેડ 120 બોલમાં ચાર છગ્ગા અને 15 ચોગ્ગા સાથે 137 રન કરી આઉટ થયો ત્યારે તો ઓસ્ટ્રેલિયાને વિજય માટે ફક્ત બે રન કરવાના બાકી હતા, જે ગ્લેન મેક્સવેલે પહેલા જ બોલે કરી નાખ્યા હતા.
ભારતના સ્પિનર્સને રવિવારે કોઈ વિકેટ કે સફળતા મળી નહોતી, તો શામી અને સિરાજે 6.50 કરતાં વધુની એવરેજથી રન આપ્યા હતા. બુમરાહને બે તથા શામી, સિરાજને એક-એક વિકેટ મળી હતી.
બન્ને ટીમોની બેટિંગમાં એક વિરોધાભાસ જણાયો હતો, જેમાં ભારતે શ્રેયસ ઐયરની વિકેટ ગુમાવ્યા પછી જાણે બાકીના તમામ ખેલાડીઓ રક્ષાત્મક મૂડમાં આવી ગયા અને એ પછી ટીમની બેટિંગ પણ જાણે સાવ નિરસ બની ગઈ હતી. તો બીજી તરફ, ઓસ્ટ્રેલિયા પણ સાતમી ઓવરમાં 47 રને ત્રીજી વિકેટ ગુમાવ્યા પછી રક્ષાત્મક મૂડમાં આવી ગયું હતું, પણ હેડ અને લબુશેન તક મળ્યે આક્રમક બેટિંગ કરવાનું ચૂકતા નહોતા.