ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ભારત સામેની ટેસ્ટ સીરીઝમાં દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ રવિવારે ત્રીજા દિવસે છ વિકેટે નામોશીભર્યો પરાજય થયો હતો. પ્લેયર ઓફ ધી મેચ રવિન્દ્ર જાડેજા સહિતના ભારતના સ્પિન આક્રમણ સામે ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઈનિંગમાં 28 રનમાં જ છેલ્લી આઠ વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે ભારતે હવે સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી બોર્ડર – ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી છે.
ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પણ ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી. પહેલી ઈનિંગમાં તો એણે 263 રનનો થોડો સંતોષકારક સ્કોર કર્યો હતો, જેમાં ઉસ્માન ખ્વાજાના 81 અને પીટર હેન્ડ્સકોમ્બના અણનમ 72 મુખ્ય હતા. ભારત તરફથી મોહમદ શમીએ ચાર તથા અશ્વિન અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
જાડેજાએ પહેલી ઈનિંગમાં બેટિંગમાં 24 રન કર્યા હતા તેમજ કોહલી સાથેની પાંચમી વિકેટની ભાગીદારીમાં મહત્ત્વના 59 રન ઉમેર્યા હતા. ભારતના ઓપનર્સે 46 રન કર્યા પછી મધ્ય ક્રમનો તો જબરજસ્ત ધબડકો થયો હતો અને 139 રનમાં તો ટીમે સાત વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી અક્ષર પટેલ અને રવિચન્દ્રન અશ્વિને બાજી સંભાળી લઈ 120 રનની ભાગીદારી દ્વારા ટીમને સદ્ધર સ્થિતિમાં લાવી દીધી હતી. અક્ષર પટેલે સૌથી વધુ 74, અશ્વિને 37 તથા વિરાટ કોહલીએ 44 રન કર્યા હતા. એકંદરે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ફક્ત એક રનની સરસાઈ આપી હતી. ઓસ્ટ્રેલિયાના નાથન લિયોને પાંચ વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગની શરૂઆત તો સારી કરી હતી, 23 રને પહેલી વિકેટ ગુમાવ્યા પછી બીજા દિવસની રમતના અંતે ટ્રેવિસ હેડની આક્રમક બેટિંગ સાથે ટીમે ફક્ત 12 ઓવરમાં એક વિકેટે 61 રન કર્યા હતા. પણ બીજા દિવસ સવારે પહેલી જ ઓવરમાં તેના રકાસનો આરંભ થયો હતો અને 65 રને તેણે બીજી વિકેટ ગુમાવ્યા પછી 95 રનના સ્કોરે ઓસ્ટ્રેલિયાએ ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી, એમ ચાર વિકેટ ગુમાવી હતી. 32મી ઓવરમાં તો 113 રને આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જાડેજાએ સાત અને અશ્વિને ત્રણ વિકેટ ખેરવી હતી. આ રીતે ભારત સામે વિજય માટે 115 રનનો ટાર્ગેટ હતો, જે તેણે ચાર વિકેટ ગુમાવી 26.4 ઓવર્સમાં હાંસલ કર્યો હતો. સુકાની રોહિત શર્માએ 31 અને ચેતેશ્વર પુજારાએ અણનમ 31 કર્યા હતા, તો વિકેટ કીપર એસ. ભરત 23 રન કરી અણનમ રહ્યો હતો.
પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરને મોહમદ સિરાજે બે વાર ઘાયલ કર્યો હતો, આખરે કોન્ક્યુશનના નિયમ હેઠળ વોર્નરના બદલે મેટ રેન્શોનો સબસ્ટિટયુટ તરીકે ટીમમાં સમાવેશ કરાયો હતો. પહેલીવાર વોર્નરને ડાબા હાથની કોણી ઉપર બોલ વાગ્યો હતો, જેના પગલે તેને હેરલાઈન ફ્રેકચર પણ થયું હતું. એ પછી બીજી વાર 10મી ઓવરના છેલ્લા બોલે બાઉન્સરને ફટકારવા જતાં વોર્નર બોલ ચૂકી ગયો હતો અને બોલ તેની હેલ્મેટની ગ્રીલ ઉપર વાગ્યો હતો. એ વખતે તેને ફિલ્ડ ઉપર જ લાંબી સારવાર પણ આપવી પડી હતી.
જો કે, એ પછી તેણે બેટિંગ ચાલુ રાખી હતી અને શમીએ તેની વિકેટ લીધી હતી. પણ પછી તે ભારતની ઈનિંગ વખતે ફિલ્ડીંગમાં આવ્યો નહોતો અને કોન્ક્યુશન ટેસ્ટમાં તે પાસ નહીં થતાં તેની જગ્યાએ રેન્શોને લેવાયો હતો.