Amitabh Bachchan
(Photo by NIKLAS HALLE'N/AFP via Getty Images)
બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને આદર્શ યુગલ માનવામાં આવે છે. પોતાની સફળતામાં જયા બચ્ચનની મહત્ત્વની ભૂમિકા હોવાનું પણ અમિતાભ બચ્ચને અગાઉ સ્વીકાર્યું છે. જાણીતા ફિલ્મ લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાને જણાવ્યું હતું કે, 11 ફ્લોપ ફિલ્મો પછી અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની તૈયારીમાં હતા. આ દરમિયાન તેમનાં પત્ની જયા ભાદુરીએ ઝંઝીર ફિલ્મ સ્વીકારી અને એંગ્રી યંગ મેનનો ઉદભવ થયો ઝંઝીર હિટ થઈ તે પહેલાં અમિતાભ બચ્ચનની 11 ફિલ્મો ફ્લોપ ગઇ હતી. કોઈ નિર્માતા તેમની સાથે કામ કરવા તૈયાર ન હતા. એક શોમાં અરબાઝ ખાન સાથે વાત કરતાં સલીમ ખાને જૂના દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે, ઝંઝીરમાં લીડ રોલ માટે ધર્મેન્દ્ર, દેવ આનંદ અને દિલીપકુમાર પહેલી પસંદગી હતા. ધર્મેન્દ્ર અને દેવઆનંદે અંગત કારણોસર ઓફર નકારી દીધી. દિલીપકુમારને લાગ્યું હતું કે, આ ભૂમિકા તેમના વ્યક્તિત્વ સાથે અનુકૂળ નથી. જોકે, પછી દિલીપકુમારને આ ફિલ્મ નહીં કરવાનો અફસોસ પણ થયો હતો.
ફિલ્મની વાર્તા અને સંવાદ તૈયાર હતા. ફિલ્મની કથા જોઈને દરેકને પહેલો વિચાર ધર્મેન્દ્રનો જ આવતો હતો. જોકે, ધર્મેન્દ્રને ઓફર ના ગમી અને તેમના ઈનકારે તમામને દુઃખી કર્યા હતા. સલીમ ખાનના પૂર્વ પાર્ટનર જાવેદ અખ્તરે અમિતાભ બચ્ચનનું નામ સૂચવ્યું. બોમ્બે ટુ ગોવા, પરવાના, રાસ્તે કે પત્થર જેવી ફિલ્મોમાં તેમની એક્ટિંગ સારી હતી. જોકે, ફ્લોપ ફિલ્મોનો રેકોર્ડ જોઈને ડાયરેક્ટર પ્રકાશ મહેરા તેમના નામ સામે ખુશ નહોતા.  પ્રકાશ મેહરાને ખબર હતી કે, અમિતાભ સારા એક્ટર છે અને તેમનો અવાજ-પર્સાનાલિટી દમદાર છે. ફિલ્મો ફ્લોપ ગઈ તેમાં અમિતાભનો વાંક ન હતો, પણ મોટાભાગે એક્ટરને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.
11 ફ્લોપ પછી બચ્ચન પણ હિંમત હારી ગયા હતા. તે સમયે હીરોઈન પણ માત્ર ગ્લેમરસ કે નાના રોલ કરવામાં માનતી ન હતી. આ સ્થિતિમાં જયા બચ્ચનને લીડ રોલ માટે ઓફર કરી. જયાજીએ સ્ટોરી સાંભળ્યા પછી પૂછ્યું કે, આમાં મારા માટે કંઈ ખાસ નથી. તેથી સલીમ ખાને તેમને સમજાવાં કહ્યું હતું. ભલે જયાજી માટે ખાસ કંઈ નથી, પરંતુ અમિતાભ બચ્ચન માટે આ જરૂરી છે અને જો તેઓ ના પાડશે તો અમિતાભની કારકિર્દીને નુકસાન થશે. આખરે જયા અને અમિતાભની જોડી સાથે ઝંઝીર શરૂ થઈ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એંગ્રી યંગ મેન મળ્યો.

LEAVE A REPLY