કાગિસો રબાડાએ પાંચ અને નોર્ત્જેએ ત્રણ વિકેટ ખેરવતાં સાઉથ આફ્રિકાએ તેના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા જ દિવસે એક ઈનિંગ અને ૬૩ રનથી વિજય નોંધાવ્યો હતો. સાઉથ આફ્રિકાએ વિદેશ પ્રવાસમાં સળંગ ૯ ટેસ્ટ પરાજયનો સિલસિલો અટકાવી ચાર વર્ષે પહેલી વખત વિજય મેળવ્યો હતો. એક સમયે ક્રિકેટ જગત પર દબદબો ધરાવતા વેસ્ટ ઈન્ડિઝ માટે આ તેનો ૨૦૦મો ટેસ્ટ પરાજય હતો.
વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગ ૯૭માં પુરી થઈ ગઈ હતી. તે પછી પ્લેયર ઓફ ધ મેચ ડી કૉકની અણનમ ૧૪૧ની ઈનિંગ સાથે સાઉથ આફ્રિકાએ ૩૨૨ રન ખડકી દીધા હતા. ૨૨૫ રનની સરસાઈ આપ્યા પછી બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ ૧૬૨ રન કરી શક્યું હતું, તેના પગલે સા. આફ્રિકાનો એ ઈનિંગ્સ અને 63 રનથી વિજય થયો હતો.
સા. આફ્રિકાનો આ અગાઉ ૨૦૧૭માં ઈંગ્લેન્ડ સામે ટ્રેન્ટબ્રિજ ટેસ્ટમાં વિજય થયો હતો. સુકાની ડીન એલ્ગર માટે એક રીતે નામોશીજનક દેખાવ છતાં તેને ટેસ્ટ વિજયનો શ્રેય પણ મળ્યો હતો. તે આ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો, એકપણ કેચ પણ તેના નામે નથી. આવો રેકોર્ડ અગાઉ સા. આફ્રિકામાં હેન્સી ક્રોનિએના નામે હતો, તો વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના વૂડફૂલ, બ્રેડમેન, ઈયાન ક્રેગ, સ્ટીવ વૉ, વેસ્ટ ઈન્ડિઝના જ્યોર્જ ગ્રાન્ટ, ક્લાઈવ લોઈડ, વિવ રીચાર્ડ્સ, શ્રીલંકાના મારવન અટ્ટપટ્ટુ અને સરુંગા લકમલ, પાકિસ્તાનના ઈન્ઝમામ-ઉલ-હક અને બાબર આઝમ તથા ઈંગ્લેન્ડના નાસીર હુસેનના નામે છે.