સાઉથ આફ્રિકા પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પાસેથી આ મહિને કોવિડ-19 વેક્સિનના 1.5 મિલિયન ડોઝ મેળવશે. આ ઉપરાંત ફેબ્રુઆરીમાં વધુ 500,000 ડોઝ મળશે, એમ ગુરુવારે સંસદમાં આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું.
ભારત સરકાર અને બીજા દેશોને વેક્સિનના સપ્લાય માટે વિશ્વની અગ્રણી ફાર્મા કંપની એસ્ટ્રેઝેનેકાએ વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક સીરમ સાથે જોડાણ કર્યું છે.
આરોગ્ય અંગેની સંસદની પોર્ટફોલિયો કમિટીને સંબોધન કરતાં આરોગ્ય પ્રધાન ઝ્વેલી એમખિજેએ જણાવ્યું હતું કે આયાતી વેક્સિનનો ઉપયોગ ફ્રન્ટલાઇન વર્કર્સના રસીકરણ માટે થશે. પ્રધાને સંસદમાં જણાવ્યું હતું કે જાહેરાત કરતાં મને ખુશી થાય છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આ અંગેની જાહેરાત કરવા અને વેક્સિનની તૈયારી કરવા માટે અમને પરવાનગી આપી છે.