યુએઈમાં શનિવારથી શરૂ થયેલી એશિયા કપ ટી-20 ટુર્નામેન્ટની પહેલી મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને 8 વિકેટે હરાવી આંચકો આપ્યો હતો. પહેલા બેટિંગ કરતાં શ્રીલંકન ટીમ ફક્ત બે બોલ બાકી હતા ત્યારે 105 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી, પછી અફઘાનિસ્તાને આસાનીથી, ફક્ત બે વિકેટ ગુમાવી 11મી ઓવરમાં જ 106 રન કરી જબરજસ્ત વિજય નોંધાવ્યો હતો.
શ્રીલંકાએ પાંચ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી તે પછી ચોથી વિકેટની ગુણાથિલાકા અને રાજાપક્સા (૩૮) વચ્ચેની ૪૪ રનની ભાગીદારી નોંધાઈ હતી પણ તે પછી ધબડકો થયો હતો. ઓમરઝાઈએ એક ઓવરમાં ૨૦ રન આપતા શ્રીલંકા ૧૦૦ રનને પાર કરી શક્યું હતું. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી.
જીતવા માટેનો ૧૦૬ રનના ટાર્ગેટ સાથે બેટિંગ લેવા આવેલા અફઘાનિસ્તાન તરફથી ગુરબાઝે ૧૮ બોલમાં ૪૦ રનની આક્રમક બેટિંગ કરી હતી. ઓપનર ઝાઝાઈએ પણ ઝમકદાર બેટિંગ સાથે ૨૮ બોલમાં અણનમ ૩૭ રન કર્યા હતા. ઝાઝાઈ અને ગુરબાઝે ૩૭ બોલમાં ૮૩ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
ડિ સિલ્વાએ ગુરબાઝની વિકેટ ઝડપી હતી. એ પછી ઈબ્રાહિમ ઝદરન ૧૫ રને રનઆઉટ થયો હતો. જોકે હઝરતઉલ્લા ઝાઝાએ એક છેડો સાચવી રાખતાં ટીમ વિજયની મંઝિલે પહોંચી ગઈ હતી.