અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટમાં રવિવારે નવી દિલ્હીમાં મેજર અપસેટમાં ઈંગ્લેન્ડને 69 રને જંગી શિકસ્ત આપી ક્રિકેટ રસિયાઓને ચોંકાવી દીધા હતા, તો બીજી તરફ આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા તેની પહેલી બન્ને મેચમાં પરાજય સાથે તળિયે પહોંચી ગયું હતું.
ઈંગ્લેન્ડ સામેની મેચમાં અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતાં 284 રન કર્યા હતા અને ઈનિંગમાં ફક્ત એક બોલ બાકી હતો ત્યારે છેલ્લી વિકેટ ગુમાવી હતી. ઓપનર ગુરબાઝે શાનદાર 80 અને પછી વિકેટકીપર અલીખિલે 58 રન કર્યા હતા, તો ઈંગ્લેન્ડ તરફથી આદિલ રશિદે 3 અને માર્ક વુડે 2 વિકેટ લીધી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 40.3 ઓવર્સમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ મલાને 32 અને હેરી બ્રુકે 66 રન કર્યા હતા, તે સિવાય કોઈનો ખાસ દેખાવ રહ્યો નહોતો. અફઘાનિસ્તાન તરફથી મુજીબુર રહેમાન અને રશિદ ખાને 3-3 તથા મોહમ્મદ નબીએ 2 વિકેટ લીધી હતી. મુજીબુર રહેમાનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.