તાલિબાને રવિવારે અફઘાનિસ્તાનમાં પોતાનો કબજો જમાવ્યા બાદ ભારે અરાજકતા અને ભયનો માહોલ ઊભો થયો હતો. સોમવારે કાબુલ એરપોર્ટ પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હતો અને કોઇ સામાન્ય બસમાં બેસતા હોય તેમ ધક્કામુક્કી કરીને વિમાનમાં બેસવા લોકોએ પડાપડી કરી હતી. એરપોર્ટ પર ભારે અરાજકતાને કારણે અમેરિકાએ તેના પર નિયંત્રણો મેળવ્યું હતું અને ફાઇરિંગ થયું હોવાના પણ અહેવાલ મળ્યા હતા. ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા હતા.
અફઘાન એરસ્પેસ બંધ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાનું વિમાનો પણ હવે ત્યાં જઈ શકશે નહીં. પ્રેસિડેન્શિયલ પેલેસ પર અંકુશ મેળવ્યા બાદ તાલિબાનોએ યુદ્ધ પૂરું થયું હોવાની જાહેરાત કરી હતી.
તાલિબાનોએ 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં સત્તા હડપી લીધી છે અને તાલિબાનોના ભયને કારણે સેંકડોએ લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
લોકોએ ઘર, રૂપિયા, મિલકત, સમાન બધું છોડીને લોકોએ એરપોર્ટ તરફ દોટ મૂકી હતી અને જે વિમાનમાં જગ્યા મળે એમાં ચઢી રહ્યા હતા. અફઘાનિસ્તાન છોડીને ભાગવું સેંકડો લોકો માટે કઠિન બની રહ્યું હતું, કારણ કે એરપોર્ટ પર પગ મૂકવાનીય જગ્યા રહી ન હતી.
અફઘાનિસ્તાનના દરેક શહેરમાં બેંકો અને એમ્બેસી બહાર 3થી 4 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. કોઈ પૈસા ઉપાડવા તો કોઈ એમ્બેસીમાંથી પોતાના દેશના વિઝા મેળવવા દોડાદોડી કરી રહ્યા હતી. કાબુલમાં ચારેય તરફ અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.
જોકે તાલિબાન નેતા મુલ્લા બરાદરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ લોકોના જીવન અને સંપત્તિનું રક્ષણ કરવામાં આવશે. આગામી દિવસોમાં બધું નિયંત્રણમાં કરી લવામા આવશે. અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જીત આટલી સરળ અને આટલી ઝડપી હશે. આગામી દિવસોમાં બધું સામાન્ય થઈ જશે. અફધાન પ્રેસિડન્ટ અશરફ ગની અને વાઇસ પ્રેસિડન્ટ અમીરુલ્લાહ સાલેહ દેશ છોડી ભાગી ગયા હતા.