અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ખાતે ગુરુવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા કમનસીબ લોકોમાં હેમ્પશાયરના ઉબર ડ્રાઇવર મોહમ્મદ નિયાઝી અને નોર્થ લંડનના હેન્ડનમાં 20 વર્ષથી મદીના સુપરમાર્કેટ ચલાવતા દુકાનદાર મુસા પોપલનો સમાવેશ થાય છે. યુકેની ફોરેન ઓફિસે આ હુમલામાં બે બ્રિટિશ નાગરિકો અને એક બ્રિટિશ નાગરિકના બાળકના મોતની પુષ્ટિ કરી છે.
ઝોહરા પોપલે કહ્યું હતું કે ‘’જ્યારે વિસ્ફોટ થયો ત્યારે મારા 60 વર્ષના પિતા યુએસના સૈનિકો તરફ તેમનો બ્રિટિશ પાસપોર્ટ લહેરાવતા હતા. તેઓ પત્ની સાથે પરિવારને મળવા જૂન મહિનામાં અફઘાનિસ્તાન ગયા હતા. મારી માતા વિસ્ફોટમાં બચી ગઈ હતી, પરંતુ તેમનો 14 વર્ષના પૌત્ર હમીદ હજુ પણ ગુમ છે. મારી માતા ઉઠવાનો પ્રયાસ કરતી હતી ત્યારે લોહીના કારણે લપસી ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેમને બહેરાશ આવી ગઇ હતી અને હજૂ સાંભળી શકતા નથી. મારી માતાએ બોમ્બ ધડાકામાં તેના દસ્તાવેજો સહિત બધું જ ગુમાવ્યું હતું અને હવે તે અન્ય સંબંધીઓ સાથે હજુ પણ જોખમમાં છે.’’
ફાર્નબરોમાં રહેતા ટેક્સી ડ્રાઈવર મોહમ્મદ નિયાઝી પણ હુમલામાં માર્યા ગયા હતા. તેઓ તેમના પરિવારને એરપોર્ટની અંદર જવા માટે મદદ કરવા અફઘાનિસ્તાન ગયા હતા. તેમના મિત્રો માને છે કે તેની અફઘાન પત્ની અને બાળકો – જેમને વિઝાની સમસ્યા હોવાનું મનાય છે તેઓ પણ માર્યા ગયા હતા. નિયાઝીના ભાઈ અબ્દુલ હમીદે કહ્યું હતું કે વિસ્ફોટ બાદ ફાયરિંગ દરમિયાન તેઓ માર્યા ગયા હતા.