રાજધાની કાબુલ સહિત ઘણા શહેરોમાં લોકોએ અફઘાનિસ્તાનનો ઝંડો લઈને તાલિબાન સામે વિરોધી દેખાવો કર્યા હતા. કાબુલમાં પ્રેસિડેન્શિયલ પેલેસ નજીક પણ લોકોએ દેખાવો કર્યા હતા. દેશના અન્ય ભાગોમાં થયેલા પ્રદર્શનોના લીધે ગભરાયેલા તાલિબાનીઓએ ભીડ પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં અનેકના જીવ ગયા હતા અને સંખ્યાબંધ લોકોને ઇજા થઈ હતી.
કાબુલમાં મહિલાઓ અને પુરુષો કાળા, લીલા અને લાલ રંગવાળા અફઘાની ઝંડાને લઈને રસ્તાઓ પર નીકળ્યા હતા. કુનાર પ્રાંતની રાજધાની અસાદબાદમાં રેલી દરમિયાન કેટલાય લોકોના જીવ ગયા હતા હજી સુધી તે સ્પષ્ટ નથી કે આ લોકોના મોત ગોળી લાગવાના લીધે થયા કે ગોળી ચાલવાના લીધે લાગેલી ભાગદોડથી થયા.
જલાલાબાદમાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા લોકોએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને તાલિબાનનો ઝંડો ઉતારી દીધો. આ દરમિયાન ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં પહોંચેલા વિપક્ષી નેતા નોર્ધર્ન એલાયન્સના બેનર હેઠળ સશસ્ત્ર વિરોધ કરવા અંગે ચર્ચા કરી હતી. આ સ્થળ નોર્ધર્ન એલાયન્સના લડવૈયાઓનો ગઢ છે.તેમણે ૨૦૦૧માં તાલિબાનની સામે અમેરિકાને સાથ આપ્યો હતો. આ એકમાત્ર એવો પ્રાંત છે જે તાલિબાનના હાથમાં આવ્યો નથી.