અફઘાનિસ્તાન મુદ્દે પરિસ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મંગળવારે પોતાના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા.
અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઈને વડાપ્રધાન સતત ટોચના અધિકારીઓના સંપર્કમાં છે. તેમણે સોમવારે મોડી રાત સુધી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી અને કાબુલથી આવનારી ફ્લાઈટ અંગે પણ અપડેટ લીધું હતું. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લઈને વિમાન જામનગર આવ્યું હતું. તેમના ભોજન અને અન્ય સુવિધાઓ માટે વડાપ્રધાને જ આદેશ આપ્યા હતા.
નોંધનીય છે કે કાબુલમાં ભારતીય રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓ સહિત 120 લોકોને લઈને ભારતીય વાયુસેનાનું એક વિમાન મંગળવારે અફઘાનિસ્તાનથી ગુજરાતના જામનગર પહોંચ્યું હતું. સી-19 વિમાન સવારે 11.15 વાગ્યે જામનગરમાં વાયુસેનાના એરબેઝ પર ઉતર્યું હતું. બાદમાં ત્રણ વાગ્યે દિલ્હી નજીક આવેલા એરબેઝ માટે રવાના થયું હતું અને સાંજે ત્યાં પહોંચ્યું હતું.