અફઘાનિસ્તાનમાં અફઘાનિસ્તાન સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા જંગમાં અફઘાન હવાઇદળના હવાઇ હુમલામાં 254 તાલિબાની ત્રાસવાદીઓના મોત થયા હતા અને 97 ત્રાસવાદીઓ ઘાયલ થયા હતા. કંધાર પ્રાંતમાં હવાઇ હુમલામાં તાલિબાનના ગુપ્ત સ્થળોનો સફાયો કરાયો હતો, એમ સરકારે જણાવ્યું હતું.
હવાઇ હુમલાને રોકવા માટે તાલિબાનોએ કંધાર એરપોર્ટ પર ઓછામાં ઓછા ત્રણ રોકેટ છોડ્યા હતા. અફઘાન સરકારે જણાવ્યું હતું કે રોકેટ હુમલાથી એરપોર્ટના રનવેને થોડું નુકસાન થયું હતું અને તમામ ફ્લાઇટ સસ્પેન્ડ કરવામાં આવી છે.
સરકારે ટ્વીટર પર આ અંગેનો એક વિડિયો પણ જારી કર્યો હતો. હવાઇદળે અલગ અલગ વિસ્તારોમાં કરેલા હુમલામાં 254 તાલિબાન મોતને ભેટ્યા હતા અને 97 ઘાયલ થયા હતા. અફઘાન એરફોર્સે કાબુલ, કંદહાર, હેરાત, હેલમંદ અને ગજની સહિતના 13 સ્થળોએ એર સ્ટ્રાઈક કરી હતી.
તાલિબાન ત્રાસવાદીઓ પરની અત્યાર સુધીના આ સૌથી મોટી કાર્યવાહી હોવાનું માનવામાં આવે છે. આવા એક હવાઈ હુમલામાં મોટા પાયે વિસ્ફોટકો લઈ જતા એક વાહનને પણ ઉડાવી દેવામાં આવ્યુ છે. કંદહારના એક વિસ્તારમાં તાલિબાનીઓના બંકરને પણ નિશાન બનાવવામાં આવ્યુ છે. જેમાં 10 તાલિબાનના મોત થયા હતા.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ તાલિબાનોએ દેશ પર કબ્જો જમાવવાના પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે હવે તેમને રોકવા માટે અફઘાનિસ્તાને હવાઇ તાકાદનો ઉપયોગ શરૂ કર્યો છે. આ વર્ષના પહેલા છ મહિનામાં અફઘાનિસ્તાનમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યામાં ગયા વર્ષના મુકાબલે 47 ટકાનો વધારો થયો છે.બીજી તરફ પાકિસ્તાન ખુલ્લેઆમ તાલિબાનને પ્રોત્સાહન આપી રહ્યુ છે અને તેની મદદ કરી રહ્યુ છે.