અફઘાનિસ્તાનમાં રવિવારે તાલિબાનની જીત વચ્ચે પ્રેસિડન્ટ અશરફ ગનીએ દેશ છોડી દીધો હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તાલિબાનના પ્રતિનિધિઓ સાથે કાબુલમાં વાતચીત કર્યા પછી અશરફ ગનીએ આ પગલું લીધું છે. અત્યાર સુધી એવું જાણવા મળ્યું નથી કે અશરફ ગની અફઘાનિસ્તાન છોડીને કયા દેશમાં પહોંચ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ અમેરિકા જઈ શકે છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાને પ્રેસિડન્ટ અશરફ ગનીના અંતિમ કિલ્લા કાબુલ પર પણ જીત પ્રાપ્ત કરી છે. આ સાથે જ તાલિબાને અફઘાનિસ્તાનમાં ફરી ઈસ્લામિક અમીરાતને સ્થાપિત કરવાનું સપનું પૂરું કર્યું છે. આજથી 20 વર્ષ પહેલા અફઘાનિસ્તાન પર થયેલા અમેરિકાના હુમલાના કારણે તાલિબાનને કાબુલ છોડીને ભાગવું પડ્યું હતું. રોઇટર્સના રિપોર્ટ મુજબ, તાલિબાનના રાજકીય કાર્યાલયના પ્રમુખ મુલ્લા અબ્દુલ ગની બરાદર કાબુલ આવી ગયા છે. અફઘાન સરકારના ટોચના અધિકારીઓનું કહેવું છે કે અશરફ ગની કાબુલમાં યુદ્ધ લડવાની જગ્યાએ તાલિબાનના હાથમાં શાંતિપૂર્વક સત્તા સોંપવાની તૈયારીમાં છે. અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનના નવા પ્રેસિડન્ટ બની શકે છે.