તાલિબાન ત્રાસવાદીઓએ શુક્રવારે અફઘાનિસ્તાન પરની તેમની પકડને ઘેરી બનાવી હતી અને કંધાર પર કબજો કરીને રાજધાની કાબુલની નજીક પહોંચી ગયા હતા. અફઘાનિસ્તાનના મોટા શહેરોમાં સામેલ કંધાર, ગજની અને હેરાત પર પણ તાલિબાની ફાઈટર્સે કબજો જમાવી લીધો હોવાનો તેમણે દાવો કર્યો હતો. પશ્ચિમના દેશોએ કાબુલમાંથી પોતાના સ્ટાફને બહાર કાઢવા માટે સૈનિકો મોકલવાની તૈયારી ચાલુ કરી હતી.
તાલિબાનની આગેકૂચને પગલે પેન્ટાગોનને જણાવ્યું હતું કે યુએસ એમ્બસી સ્ટાફને બહાર કાઢવામાં મદદ કરવા તે 48 કલાકમાં વધારાના 3,000 ટ્રુપ મોકલશે. બ્રિટનને પણ પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા આશરે 600 સૈનિકો મોકલવાનો નિર્ણય કર્યો હતો.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પાછી ફરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી તાલિબાનનો કબજો વધી રહ્યો છે. અફઘાનિસ્તાનના કુલ 34 પ્રાંત પૈકીના 12 કરતા વધારે પ્રાંત પર હવે સંપૂર્ણપણે તાલિબાનનો કબજો છે. કંધાર અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર છે અને તાલિબાને તેના પર કબજો જમાવી લીધો તે ખૂબ જ ખતરનાક બાબત છે.
જાણવા મળ્યા મુજબ ગુરૂવારે મોડી રાતે તાલિબાનીઓએ કંધાર પર હુમલો કર્યો હતો. સરકારી કર્મચારીઓ અને અન્ય લોકો મોડી રાતે જ શહેર છોડીને ભાગી ગયા હતા.
કંધાર બાદ અફઘાનિસ્તાનનું ત્રીજું મોટું શહેર હેરાત પણ તાલિબાની આતંકવાદીઓના કબજામાં આવી ગયું છે. હેરાતમાં તાલિબાની ફાઈટર્સે ત્યાંની ઐતિહાસિક મસ્જિદ પર કબજો જમાવ્યો, આ વિસ્તાર એલેકઝાન્ડર ધ ગ્રેટ સાથે સંબંધ ધરાવે છે. જોકે હવે ત્યાંની તમામ સરકારી ઈમારતો પર તાલિબાનનો કબજો છે.
ગજની વિસ્તારની વાત કરીએ તો તે પણ હવે તાલિબાનના કબજામાં છે. ગજની પર તાલિબાનના કબજાનો અર્થ હવે તેઓ સીધા કાબુલના સંપર્કમાં છે. યાનીથી હાઈવે સીધો રાજધાનીને લિંક કરે છે. આ સાથે જ તાલિબાન ફરી એક વખત 20 વર્ષ જૂની સ્થિતિમાં આવી ગયું છે જ્યારે દેશના સૌથી મહત્વના વિસ્તારો પર ફક્ત તેનું જ વર્ચસ્વ હતું.