બેંગલુરુ ખાતેના એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયામાં બુધવાર (15 ફેબ્રુઆરીએ)એ આશરે રૂ.80,000 કરોડની કુલ 266 ભાગીદારોઓ થઈ હતી. તેમાં 201 સમજૂતીપત્રો (એમઓયુ), 53 મોટી જાહેરાતો અને નવી પ્રોડક્ટ્સના લોન્ચિંગનો સમાવેશ થાય છે. એરો ઈન્ડિયાની 14મી આવૃત્તિનું સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું અને તેમાં 700થી વધુ સંરક્ષણ કંપનીઓ અને લગભગ 100 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ અને ફ્રાન્સની સેફ્રન હેલિકોપ્ટર એન્જિન વચ્ચે સમજૂતીપત્ર થયા હતા. બંને કંપનીઓ હેલિકોપ્ટર એન્જિનના ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ માટે સંયુક્ત સાહસની સ્થાપના કરશે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ પણ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
એરો ઈન્ડિયામાં લોન્ચ કરાયેલ પ્રોડક્ટમાં ટૂંકી રેન્જની ભૂમિથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ (ભારત ડાયનેમિક્સ લિમિટેડ)નો સમાવેશ થાય છે. તે નેક્સ્ટ જનરેશન, જહાજ-આધારિત, ઓલ વેધર એર ડિફેન્સ મિસાઇલ છે, જેનો ઉપયોગ વિમાનો અને માનવરહિત એરિયલ વ્હિકલ જેવા સુપરસોનિક ટાર્ગેટ સામે નૌકાદળ કરી શકે છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા વિકસિત સેમી એક્ટિવ લેસર સીકર આધારિત એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલને પણ લોન્ચ કરાઈ હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહેએ કહ્યું કે એરો ઈન્ડિયાએ વિશ્વને ‘ન્યૂ ઈન્ડિયા’નું ‘ન્યૂ ડિફેન્સ સેક્ટર’ દર્શાવ્યું છે.