કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલે સર્વસંમતિથી કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી (CMA)ના નિર્ણયને સમર્થન આપી NHSને વેચવામાં આવતી થાઇરોઇડ હોર્મોનની ઉણપની સારવાર માટેની લિઓથાયરોનિન ટેબ્લેટ્સની વધુ પડતી કિંમત લેવા બદલ ફાર્માસ્યુટિકલ સપ્લાયર એડવાન્ઝની નિંદા કરી છે. થાઇરોઇડ દવાની કિંમત વાર્ષિક £600,000થી વધીને £30 મિલિયન થઈ ગઇ હતી.
કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) સીમાચિહ્નરૂપ ચુકાદાને આવકાર્યો હતો. ટેબ્લેટના એકમાત્ર સપ્લાયર એડવાન્ઝે 2009 અને 2017ની વચ્ચે પેક દીઠ કિંમત £4થી વધારીને £248 સુધી લઇને ભાવમાં 1,000 ટકાથી વધુનો વધારો કર્યો હતો. ચુકાદાના પરિણામે, એડવાન્ઝ બિઝનેસના 2 ભૂતપૂર્વ માલિકો, એચજી કેપિટલ અને સિન્વેન સાથે મળીને એડવાન્ઝ ફાર્મા (એડવાન્ઝ બિઝનેસના વર્તમાન માલિક)ને સંબંધિત સમયગાળા માટે કુલ £84 મિલિયનથી વધુના દંડનો સામનો કરવો પડે છે. આ દંડ સાથે દવા પરના NHSના ઓવરસ્પેન્ડની ભરપાઈ કરવા માટે સરકાર માટે કાનૂની કેસ લાવવાનો માર્ગ ખુલ્યો છે અને સરકાર કાનુની ખર્ચ માટે ઓછામાં ઓછા £92 મિલિયન માંગી શકે છે.
CMAના એન્ફોર્સમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઈકલ ગ્રેનફેલે કહ્યું હતું કે ‘’અમને આનંદ છે કે કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલે સર્વસંમતિથી CMA ના ઉલ્લંઘનના તારણોને સમર્થન આપ્યું છે. આજના સીમાચિહ્નરૂપ ચુકાદાથી કંપનીઓ કેવી રીતે કિંમતો નક્કી કરવી તેની તકેદારી રાખશે અને NHS માટે વળતર મેળવવાનો માર્ગ મોકળો થયો છે.’’
CMA એવી કંપનીઓ પર કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે જે લોકો અને વ્યાપક અર્થતંત્રને નુકસાન પહોંચાડે તેવી રીતે તેમની બજાર શક્તિનો દુરુપયોગ કરે છે.
29 જુલાઇ 2021 ના રોજ, CMAને જાણવા મળ્યું હતું કે એડવાન્ઝની વધુ પડતી કિંમત કોમ્પીટીશન લોના ભંગમાં તેના પ્રભાવશાળી પદનો દુરુપયોગ કરે છે.
સર્વસંમતીથી અપાયેલા ચુકાદામાં, ટ્રિબ્યુનલે સીએમએના તારણને સંપૂર્ણપણે સમર્થન આપ્યું હતું. ટ્રિબ્યુનલે શોધી કાઢ્યું હતું કે કિંમતમાં વધારો એ રેગ્યુલેટર અથવા સ્પર્ધાત્મક અવરોધોના અભાવનું શોષણ કરવાની ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો એક ભાગ છે અને પરિણામે NHS પર નોંધપાત્ર અસર થઈ છે.