ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન તેમજ ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી સોમવારે 94 વર્ષના થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે અડવાણીએ કેક કાપીને પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી.
ભાજપના સૌથી લાંબો સમય રાષ્ટ્રીય પ્રમુખ રહેનારા અડવાણી 2019 સુધી ગાંધીનગર લોકસભા બેઠકના પ્રતિનિધિ પણ હતા. જોકે, ઉંમરના કારણે તેમણે 2019ની લોકસભા ચૂંટણી લડવાનું ટાળ્યું હતું. તેમના સ્થાને અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભાજપના સૌથી સિનિયર નેતા એવા અડવાણી હાલ માર્ગદર્શક મંડળમાં છે.
વડાપ્રધાન મોદીએ પોતાના રાજકીય ગુરુ એવા અડવાણીને જન્મદિનની શુભેચ્છા આપતું ટ્વીટ કરીને અડવાણીજીને તેમના લાંબા અને આરોગ્યપ્રદ જીવન માટે પ્રાર્થના કરી હતી. તેમણે દેશના લોકો માટે તેમજ આપણા સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે જે પ્રયાસ કર્યા છે, તેના માટે દેશ સદાય તેમનો આભારી રહેશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે પણ અડવાણીને પોતાના માર્ગદર્શક ગણાવતા તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે અડવાણીને દેશના સૌથી સમ્માનિત નેતા પણ ગણાવ્યા હતા.
અડવાણીએ 80ના દાયકામાં રામ જન્મભૂમિ ચળવળ ચલાવીને રાષ્ટ્રીય સ્તરે જનસંઘ અને ભાજપનો ફેલાવો કર્યો હતો. તેઓને જ હિન્દુત્વના રાજકારણના કર્તાહર્તા માનવામાં આવે છે. અડવાણીએ અટલ બિહારી વાજપેયી સાથે મળીને ભાજપને આધુનિક સ્વરુપ આપ્યું હતું. કરાંચીમાં જન્મેલા અડવાણી ખૂબ નાની વયે સંઘમાં જોડાયા હતા, અને જનસંઘની રચનામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી. અડવાણી 2002-04 દરમિયાન દેશના નાયબ વડાપ્રધાન રહ્યા હતા. આ સિવાય તેમણે દેશના ગૃહપ્રધાન તરીકે પણ ફરજ બજાવી હતી.