20 વર્ષના ભૂતપૂર્વ બ્રિટિશ બાળ ચેસ ખેલાડી આદિત્ય વર્માને ઇઝીજેટ ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી આપવા બદલ સોમવારે સ્પેનના મેડ્રીડમાં એક જ દિવસના ટ્રાયલ બાદ છોડી દેવાયો છે. તે પોતાના મિત્રો સાથે જુલાઈ 2022માં સ્પેનના મેઓર્કા જઇ રહ્યો હતો ત્યારે તેણે તેના મિત્રોને કહ્યું હતું કે “હું વિમાનને ઉડાવી દેવાના રસ્તા પર છું. હું તાલિબાનનો સભ્ય છું.”
A-લેવલ્સની પરીક્ષા પછી રજા માટે ગયેલા ટાપુ પર પહોંચેલા આદિત્યની ફ્લાઇટ ઉતર્યા પછી તરત જ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પ્લેનને ઉડાડવાની મજાક કરી હોવાનું સ્વીકાર્યું હતું. તેણે કોર્ટમાં જણાવ્યું હતું કે તે ખાનગી સ્નેપચેટ જૂથમાં મિત્રો સાથે મજાક કરતો હતો. પણ તેની મજાકને કારણે પેક્ડ ઇઝીજેટ પ્લેનને એસ્કોર્ટ કરવા માટે બે સ્પેનિશ ફાઇટર જેટ મોકલવામાં આવ્યા હતા. તો એરપોર્ટ પર પોલીસ અને ફાયરફાઇટર્સને અ એકત્ર કરવામાં આવ્યા હતા.
ટાપુ પર પ્લેન ઉતર્યા પછી સશસ્ત્ર પોલીસે આદિત્યને ઇઝીજેટ પ્લેનમાંથી હાથકડી પહેરાવી ઉતાર્યો હતો અને જજ સામે જતા પહેલા તેણે બે રાત પોલીસ કસ્ટડીમાં વિતાવી હતી.
સ્પેનિશ પ્રોસિક્યુટર્સે સોમવારે જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે જો આદિત્ય દોષિત સાબિત થાય તો £19,288નો દંડ અને યુરોફાઇટર લશ્કરી જેટને ધક્કો ખવડાવવા બદલ £81,251 તેની પાસેથી વસુલ કરવામાં આવે. પરંતુ જજ જોસ મેન્યુઅલ ફર્નાન્ડીઝ-પ્રીટોએ જણાવ્યું હતું કે “મિલિટરી પ્લેન, પોલીસ અથવા અન્ય ઇમરજન્સી સેવાઓને ઉશ્કેરવાનો તેનો કોઈ હેતુ દેખાતો નથી. વળી તેણે કોઇ સંદેશ અને ફોટોગ્રાફ કોઈપણ સત્તાવાર સંસ્થાને મોકલવામાં આવ્યા નથી કે ડર ફલાવવા જાહેર કરાયા નથી. ‘’
બ્રિટિશ સુરક્ષા સેવાઓએ ગેટવિક એરપોર્ટની સાર્વજનિક વાઇફાઇ સેવા થકા આ સંદેશો લીધો હોવાનું માનવામાં આવે છે.