વોલમાર્ટની માલિકીનું ફ્લિપકાર્ટ ગ્રૂપ અને વિશ્વની અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોન આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટલનો હિસ્સો ખરીદવા માટે અલગ-અલગ મંત્રણા કરી રહી છે. આદિત્ય બિરલા ફેશન હાલમાં પેન્ટલૂન, એલન સોલી અને પીટર ઇંગ્લેન્ડ જેવી જાણીતી બ્રાન્ડ ધરાવે છે.
આ ગતિવિધિથી માહિતગાર ત્રણ વ્યક્તિએ જણાવ્યું હતું કે આ બંને ઇ-કોમર્સ કંપનીઓ બિરલા ગ્રૂપની કંપનીમાં લઘુમતી હિસ્સો ખરીદવાની સ્પર્ધામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્પર્ધામાં એમેઝોન કરતાં ફ્લિપકાર્ટ આગળ છે. ફ્લિપકાર્ટ આશરે 10થી 15 ટકા હિસ્સો ખરીદવા માગે છે. અને આ રિટેલ કંપનીના ફેશન પોર્ટફોલિયોને વ્યૂહાત્મક ભાગીદાર બનાવવા માગે છે.
એમેઝોન પણ બિરલા ગ્રૂપના ફેશન બિઝનેસમાં રોકાણ કરવા મંત્રણા કરતી હતી, પરંતુ તેને વધુ સફળતા મળી નથી. આ મુદ્દે ફ્લિપકાર્ટ અને એમેઝોને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
તાજેતરના વર્ષોમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન બંનેએ ફિઝિકલ રિટેલ એસેટ ખરીદવામાં રસ દર્શાવ્યો છે. 2018માં એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમરા કેપિટલે બિરલા ગ્રૂપની સુપરમાર્કેટ ચેઇન મોરને હસ્તગત કરી હતી. અમેરિકાની આ રિટેલરે ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચેઇન શોપર્સ સ્ટોપ એન્ડ ફ્યુચર કુપન્સમાં હિસ્સો ખરીદ્યો હતો. જુલાઈમાં ફ્લિપકાર્ટે અરવિંદ ફેશનની પેટાકંપની અરવિંદ યુથ બ્રાન્ડમાં 27 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ પેટાકંપની પાસે ફ્લાઇંગ મશીન નામની બ્રાન્ડ છે.