જર્મનીની સ્પોર્ટસવેર કંપની એડિડાસ એજીએ તેની નબળો દેખાવ કરતી રીબોક બ્રાન્ડને વેચવાની અથવા તેને અલગ કંપનીમાં વિભાજિત કરવાની યોજના બનાવી છે. એડિડાસે તેની હરીફ નાઇકી ઇન્કની સ્પર્ધાનો સામનો કરવા માટે 2006માં અમેરિકાની આ ફિટનેસ બ્રાન્ડ 3.8 બિલિયન ડોલરમાં ખરીદી હતી.
એડિડાસે મંગળવારે જણાવ્યું હતું કે કંપની તેની પાંચ વર્ષની વ્યૂહરચનાના ભાગરે રિબોકને વેચવાની પ્રક્રિયા ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. બેન્કિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર રિબોકના બિઝનેસનું મૂલ્ય હાલમાં આશરે 1.2 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. રિબોક સતત ઉતરતો દેખાવ કરી રહી છે અને રોકાણકારો આ બ્રાન્ડનું વેચાણ કરવાની માગણી કરી રહ્યાં છે. 2020ના ત્રીજા ક્વાર્ટરમાં રિબોકનું ચોખ્ખું વેચાણ 7 ટકા ઘટીને 488 મિલિયન ડોલર થયું હતું. અગાઉના ક્વાર્ટરમાં તેના વેચાણમાં 44 ટકાનો અસાધારણ ઘટાડો થયો હતો.