વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે 22 જૂને અમેરિકાની સંસદના સંયુક્ત સત્રને બે વખત સંબોધન કરનારા વિશ્વના ત્રીજા નેતા બન્યાં હતા. અગાઉ મોદીએ 2016માં બરાક ઓમાની સરકાર દરમિયાન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. મોદીનું આ સંબોધન વૈશ્વિક મંચો પર ભારતના વધતા કદ અને મોદીની લોકપ્રિયતાનો સંકેત આપે છે. આ સંબોધન દરમિયાન અમેરિકી સંસદમાં ‘ભારત માતા કી જય’, વંદે માતરમ’ અને ‘મોદી-મોદી’ નારા લાગ્યાં હતા.
મોદીના સંબોધન દરમિયાન 79 વખત તાળીઓનો ગડગડાટ થયો હતો અને 15 વખત અમેરિકન સાંસદોએ ઊભા થઈને અભિનંદન આપ્યાં હતા. અમેરિકી કેટલાંક સાંસદોએ મોદી સાથે સેલ્ફી લીધી હતી અને તેમના ઓટોગ્રાફ પણ લીધા હતા.
અમેરિકી સંસદમાં પહોંચ્યા ત્યારે સાંસદોએ ‘મોદી-મોદી’ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના સંબોધન પહેલા અમેરિકી સંસદમાં લગભગ દોઢ મિનિટ સુધી ‘મોદી – મોદી’ના નારા અને તાળીઓના ગડગડાટ ગૂંજી રહ્યાં હતાં.
વડાપ્રધાને લગભગ એક કલાક સુધી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે અમેરિકાની લોકશાહી સૌથી જૂની છે અને ભારત સૌથી મોટી લોકશાહી છે. તેથી બંને દેશોની ભાગીદારી લોકશાહીના ભવિષ્ય માટે સારી છે. તે સારી દુનિયા અને તેના સારા ભવિષ્ય માટે સારું છે. આ દરમિયાન પીએમએ AIની નવી વ્યાખ્યા પણ કરી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. તે જ સમયે અન્ય એઆઈ (ભારત+યુએસ)ના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
મોદીએ જણાવ્યું હતું કે અમેરિકી કોંગ્રેસને સંબોધન કરવું હંમેશા સન્માનની બાબત છે. આવું બે વાર કરવું એ એક અપવાદરૂપ લહાવો છે. આ સન્માન માટે, હું ભારતના 1.4 બિલિયન લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપણી વિશ્વસનીય ભાગીદારી આ નવી સવારમાં સૂર્ય જેવી છે જે ચારેબાજુ પ્રકાશ ફેલાવશે. હું 2016માં અહીં હતો ત્યારે મેં કહ્યું હતું કે અમારો સંબંધ મહત્વપૂર્ણ ભવિષ્ય માટે મુખ્ય છે, તે ભવિષ્ય આજે છે. વિશ્વના બે મહાન લોકશાહી દેશો – ભારત અને યુએસ વચ્ચેના સંબંધોની ઉજવણી કરવા આજે તમને એકસાથે આવ્યા છે તે જોઈને મને આનંદ થાય છે. મને કહેવામાં આવ્યું છે કે સમોસા કોકસ હવે હાઉસનો સ્વાદ બની છે. મને આશા છે કે તે વધશે અને અહીં ભારતીય ભોજનની સંપૂર્ણ વિવિધતા લાવશે (અહીં તેમણે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ભારતીય મૂળના અન્ય સેનેટરોનો ઉલ્લેખ કર્યો હતો.
ભારતનો આર્થિક વિકાસનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે હું પીએમ તરીકે પ્રથમ વખત યુએસની મુલાકાતે આવ્યો હતો ત્યારે ભારત વિશ્વની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અમે માત્ર આર્થિક વૃદ્ધિ નથી કરી રહ્યાં પરંતુ ઝડપી પ્રગતિ કરી રહ્યાં છીએ. ભારતની વૃદ્ધિ થાય ત્યારે સમગ્ર વિશ્વમાં વૃદ્ધિ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે અમે ‘વસુધૈવ કુટુંબકમ’નું સૂત્ર ધરાવીએ છીએ. વિશ્વ સાથે અમારું જોડાણ દરેકના ફાયદા માટે છે. G20ની ભારતના અધ્યક્ષતામાં પણ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરની થીમ સાથે આવી જ ભાવના છે. ગયા અઠવાડિયે તમામ રાષ્ટ્રો યુએનમાં શાંતિ રક્ષકોના સન્માન માટે સ્મારક દિવાલ બનાવવાની અમારી દરખાસ્તમાં જોડાયા હતા.
યુક્રેન સંધર્ષ અંગે જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષ સાથે, યુદ્ધ યુરોપમાં પાછું આવ્યું છે. તેનાથી પ્રદેશમાં ભારે પીડા થઈ રહી છે. તેમાં મહાન શક્તિઓ સામેલ હોવાથી તેના પરિણામો ગંભીર છે. વૈશ્વિક વ્યવસ્થા યુએન ચાર્ટર, વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ અને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદર પર આધારિત છે.મેં પહેલા અને સ્પષ્ટ રીતે કહ્યું છે તેમ આ યુદ્ધનો યુગ નથી. આ સંવાદ અને મુત્સદ્દીગીરીનો યુગ છે.
ત્રાસવાદની સમસ્યા અંગે મોદીએ જણાવ્યું હતું કે 9/11 પછીના બે દાયકા અને મુંબઈમાં 26/11 પછીના એક દાયકા પછી, કટ્ટરપંથ અને આતંકવાદ હજુ પણ સમગ્ર વિશ્વ માટે ખતરો છે, આતંકવાદ માનવતાનો દુશ્મન છે અને તેમાં કોઈ જો અને તો હોઈ શકે નહીં. આપણે આતંકને પ્રોત્સાહન અને નિકાસ કરતી તમામ તાકાદો પર વિજય મેળવવો પડશે.
અમારી વિશ્વસનીય ભાગીદારી આ નવા પ્રભાતમાં સૂર્ય જેવી છે જે ચારે બાજુ પ્રકાશ ફેલાવશે. ભારત-પેસિફિક ક્ષેત્રની સ્થિરતા અમારી ભાગીદારીની કેન્દ્રીય ચિંતાઓમાંની એક બની ગઈ છે. અમે મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિકનું વિઝન શેર કરીએ છીએ.