બિલિયોનેર્સ ગૌતમ અદાણીના વડપણ હેઠળનું અદાણી ગ્રુપ હવે સત્તાવાર રીતે મીડિયા ક્ષેત્રમાં એન્ટ્રી કરી છે. અદાણી ગ્રુપના મીડિયા એકમે ન્યૂઝ ચેનલ NDTVમાં 29.18 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદવાની મંગળવારે જાહેરાત કરી હતી. આ ઉપરાંત અદાણી ગ્રુપે કંપનીમાં વધારાના 26 ટકા શેર્સ ખરીદવાની પણ ઓપન ઓફર કરી છે. 29.18 ટકા હિસ્સાની ખરીદી પરોક્ષ હશે, કારણ કે તે AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ (VCPL) દ્વારા કરવામાં આવશે, જે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ની માલિકીની છે.
એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, VCPL’RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડના 99.5 ટકા ઈક્વિટી શેર્સ’ હસ્તગત કરવાના અધિકારનો ઉપયોગ કર્યો છે જે NDTVની પ્રમોટર એન્ટિટી કે જે મીડિયા જૂથમાં 29.18 ટકા હિસ્સો ધરાવે છે. આનાથી SEBIના ટેકઓવર નિયમોના સંદર્ભમાં NDTVમાં 26 ટકા સુધીનો હિસ્સો હસ્તગત કરવાની ઓપન ઓફર શરૂ થશે. AMNLના CEO સંજય પુગલિયાએ જણાવ્યું હતું કે, નવા યુગના માધ્યમોનો સમગ્ર પ્લેટફોર્મ પર માર્ગ મોકળો કરવાના કંપનીના ધ્યેયમાં આ સંપાદન એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.