ન્યુયોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિન્ડનબર્ગના રીપોર્ટને પગલે બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપના શેરોમાં ધોવાણ કંપની સ્પેસિફક મુદ્દો હોવાનો સંકેત આપતા ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબી અને ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) જેવી નિયમનકારી સંસ્થાઓ શેરબજારમાં સ્થિરતા માટે હંમેશા સતર્ક રહેવું જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે બેન્કો અને વીમા કંપનીઓ કોઇ એક કંપનીમાં વધુ પડતું રોકાણ કે ધિરાણ ધરાવતી નથી. બજારમાં પ્રસંગોપાત નાની કે મોટી સમસ્યા આવતી હોય છે. પરંતુ નિયમનકારો આવા મુદ્દાઓનો ઉકેલ લાવે છે. હું દૃઢપણે માનું છું કે નિયમનકારો મામલાની વિચારણા કરતા હોય છે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે નિયમનકારોએ કાર્ય કરવું જોઈએ, સમયસર કાર્ય કરવું જોઈએ અને બજારને સ્થિર રાખવા માટે કાર્ય કરવું જોઈએ તે સિવાય આ મુદ્દે મારો કોઇ અભિપ્રાય નથી. રિઝર્વ બેન્ક હોય તો સેબી હોય ભારતના નિયમનકારોએ શ્રેષ્ઠ કાર્ય કરવું જોઇએ. નાણા મંત્રાલયમાં બેસીને, મારો મત એ હશે કે નિયમનકારો હંમેશા એલર્ટ હોવા જોઈએ.
અદાણીનો મુદ્દો માત્ર કંપનીની સમસ્યા છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મને આવું લાગે છે. આ મુદ્દાથી ભારતમાં નાણાપ્રવાહને કોઇ અસર થશે નહીં. છેલ્લાં કેટલાંક દિવસોમાં ભારતમાં આઠ અબજ ડોલરનો નાણાપ્રવાહ આવ્યો છે. આપણી વિદેશી હૂંડિયામણની અનામતોમાં છેલ્લાં કેટલાંક દિવસોમાં આઠ અબજ ડોલરનો વધારો થયો છે. અદાણી ગ્રૂપમાં રોકાણ કે ધિરાણ ધરાવતી વીમા કંપનીઓ અને બેન્કો ખુદ તેની વિગતો જાહેર કરી છે અને લોકોની ચિંતાને દૂર કરવા પ્રયાસ કરી રહી છે. વીમા કંપનીઓ કે બેન્કો વધુ પડતું એક્ઝપોઝર ધરાવતી નથી અને આ અંગેની ખુદ બેન્કો અને વીમા કંપનીઓ માહિતી આપી રહી છે.
હિન્ડનબર્ગના સનસનીખેજ રીપોર્ટ પછીથી અદાણી ગ્રૂપના શેરોમાં અસાધારણ ધોવાણ થયું છે. જોકે અદાણી ગ્રૂપે તમામ આરોપોનું ખંડન કર્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર ગયા વર્ષના ડિસેમ્બરના રૂ.4,190ના ટોચના સ્તરથી આશરે 70 ટકા તૂટ્યો છે. 24 જાન્યુઆરી પછીથી અદાણી શેરોમાં વેચવાલીને પગલે બીએસઇના સેન્સેક્સમાં આશરે 1,000 પોઇન્ટ્સનો કડાકો બોલાયો છે.