વિધાનસભાની ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં અદાણીના કથિત ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા અને પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ કેન્દ્રમાં ભાજપ સરકારથી ડરતા નથી. 29 માર્ચે વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ કર્ણાટકની તેમની પ્રથમ મુલાકાતમાં કોંગ્રેસ નેતાએ અદાણીને ભ્રષ્ટાચારનું પ્રતિક ગણાવ્યા હતા તથા મોદી સાથેના તેમના સંબંધ જાણવાની માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ જ કોલારમાં રાહુલ ગાંધીએ મોદીની અટક અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી અને કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી.
રાહુલે જણાવ્યું હતું કે “મને સંસદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. કેન્દ્ર વિચારે છે કે તેઓ મને દૂર કરીને અને મને ધમકીઓ આપીને ડરાવશે. હું ડરી જાય તેવો વ્યક્તિ નથી. મને જવાબ નહીં મળે, ત્યાં સુધી હું આ પ્રશ્ન પૂછતો રહીશ. તમે મને ગેરલાયક ઠેરવો, મને જેલ કરો અથવા તમે જે ઇચ્છો તે કરો, હું ડરવાનો નથી.”
સંરક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરતી અદાણી ગ્રૂપની કંપનીઓ સામે કોઈ તપાસ થઈ રહી નથી તેવો દાવો કરીને તેમણે આક્ષેપ કર્યો હતો કે અદાણી ગ્રૂપના ચેરમેને તેમની શેલ કંપનીમાં એક ચીની વ્યક્તિની નિમણૂક કરી છે. અદાણી ભ્રષ્ટાચારનું પ્રતીક છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછવા માંગુ છું કે ભારતમાં એરપોર્ટ આપવામાં આવી રહ્યા છે તેમની સાથે તમારો શું સંબંધ છે? તેમને કોન્ટ્રાક્ટ આપવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. નિયમો કેમ બદલવામાં આવે છે? અદાણી જૂથ પાસે એરપોર્ટ ચલાવવા માટે કોઈ કુશળતા નથી.
કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો હતો કે એરપોર્ટના માલિકોને CBI અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓએ ફસાવ્યા હતા અને પછી આ એરપોર્ટ અદાણીને આપવામાં આવ્યાં હતાં. ઓસ્ટ્રેલિયામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ સાથે જોવા મળ્યા હતા તથા ગૌતમ અદાણી અને ભારતીય સ્ટેટ બેંકના એક વરિષ્ઠ અધિકારી તેમની બાજુમાં જોવા મળ્યા હતા. બીજા જ દિવસે SBIએ અદાણીને લોન આપી હતી.