ન્યુ યોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિન્ડબર્ગના રીપોર્ટથી વિવાદમાં ઘેરાયેલા ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપમાં વધુ ખુલાસા થઈ રહ્યાં છે. અદાણી પાવરના એક વિદેશી રોકાણકારને અદાણી પરિવાર સાથે કનેક્શન હોવાનો નવો ખુલાસો થયો હતો. રીપોર્ટ મુજબ અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવરના એક મોટા વિદેશી શેરહોલ્ડરમાં ઓપલ ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિનો સમાવેશ થાય છે. આ ઓપલ ઇન્વેસ્ટમેન્ટ અદાણી પરિવાર સાથે જોડાયેલી હોવાની શક્યતા છે.
હિન્ડનબર્ગના રીપોર્ટ પછીથી આશરે એક સપ્તાહમાં અદાણી ગ્રૂપના બજારમૂલ્યમાં આશરે 100 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. અદાણી પાવરે તેના તાજેતરના ત્રિમાસિક અહેવાલમાં ઓપલ ઇન્વેસ્ટમેન્ટને એક સ્વતંત્ર શેરહોલ્ડર ગણાવી હતી અને જણાવ્યું હતું કે ઓપલ ઇન્વેસ્ટમેન્ટને અદાણી પાવરમાં 4.69% હિસ્સા સિવાય અદાણી ગ્રૂપ સાથે કોઇ લેવાદેવા નથી.
ધ વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા સમીક્ષા કરાયેલ કોર્પોરેટ ફાઇલિંગ દર્શાવે છે કે ટ્રસ્ટલિન્ક ઇન્ટરનેશનલ નામની કંપનીએ મોરિશિયસમાં ઓપલની સ્થાપના કરી હતી. ટ્રસ્ટલિન્ક એક ફાઇનાન્શિયલ સર્વિસ કંપની છે, જે અદાણી પરિવાર સાથે જોડાયેલી છે.
મોરિશિયસમાં આપવામાં આવેલી નિયમનકારી માહિતી મુજબ ટ્રસ્ટલિન્કના ડાયરેક્ટર લુઇસ રિકાર્ડો કેલુ ઓપલના બોર્ડમાં પણ સામેલ છે. લુઇસ રેકોર્ડો કેલુ મોરિશિયસ ખાતેની કંપની ક્રુનાલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના બોર્ડ મેમ્બર પણ છે. ક્રુનાલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના બોર્ડ મેમ્બરમાં અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી અને અદાણી ફેમિલી ઓફિસના સીઈઓ સુબીર મિત્રા પણ સામેલ છે.
ઓપલ જેવી કંપનીઓના રોકાણના નિર્ણયો પર અદાણીના એક્ઝિક્યુટિવ કે પરિવારના સભ્યોનો પ્રભાવ છે કે નહીં તેવો સવાલ હિન્ડબર્ગે પણ ઉઠાવ્યો હતો.