ભારતના જાણીતા ઔદ્યોગિક જૂથ- અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ્સમાંથી અંદાજે 45 કરોડ ડોલરની કિંમત શેર વેચવાની તૈયારી કરી રહ્યું હોવાનું મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ રીપોર્ટમાં જણાવ્યા મુજબ અદાણી જૂથે ગુરુવારે ગ્રુપના ઈન્ટરનેશનલ ધિરાણદારોને અંબુજા સિમેન્ટ્સમાં ચારથી પાંચ ટકા હિસ્સો વેચવાની ઔપચારિક વિનંતી કરી છે. જોકે, અદાણી ગ્રુપે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
અદાણી ગ્રુપે ગત વર્ષે હોલ્સિમ એજીનો ભારતનો સિમેન્ટ બિઝનેસ (અંબુજા સિમેન્ટ્સ અને એસીસી લિમિટેડ) 10.5 બિલિયન ડોલરમાં ખરીદ્યો હતો જે અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન હતું. આ એક્વિઝિશન માટે બાર્ક્લેઝ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ડોઈશે બેન્કના નેતૃત્વમાં 14 ઈન્ટરનેશનલ બેન્કોએ અદાણી જૂથને 4.5 બિલિયન ડોલરની લોન આપી છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ અદાણી ગ્રુપ આ હિસ્સો કોને વેચશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી, ગ્રુપ અંબુજા સિમેન્ટ્સમાં 63 ટકા હિસ્સો ધરાવે છે.
અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગના વિવાદાસ્પદ રીપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરોમાં ભારે ધોવાણને પગલે જૂથે રોકાણકારોનો વિશ્વાસ ફરી સ્થાપિત કરવા માટે માર્ચ-2023 સુધીમાં શેર આધારીત તમામ લોન ચૂકવવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપનું કુલ દેવુ અંદાજે 24 બિલિયન ડોલર છે અને ગ્રુપ આ દેવુ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે અંબુજા સિમેન્ટ્સમાં હિસ્સો વેચવાની ચર્ચા બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપે 7 માર્ચે 90 કરોડ ડોલરનું શેર આધારીત દેવુ સમય કરતાં વહેલાં ચૂકવી દીધું હતું. આમ તો તેની મુદ્દત 2025માં પૂર્ણ થતી હતી.