REUTERS/Florence Lo/Illustration/File Photo
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ડિજિટલ પ્લેટફોર્મ પેટીએમની માલિક કંપની વન 97 કોમ્યુનિકેશન્સમાં હિસ્સો ખરીદવાનું વિચારી રહ્યા છે. પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્મા તાજેતરમાં અદાણીની ઓફિસમાં ‘ડીલની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવા’ માટે મળ્યા હતા, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું.
જોકે આ મીડિયા અહેવાલને અદાણી ગ્રૂપ અને વન-97 બંનેએ નકારી કાઢ્યા હતા. અદાણી ગ્રૂપે પણ મીડિયા રિપોર્ટ પર સ્પષ્ટતા કરી હતી કે આ પાયાવિહોણી અટકળોને અમે સ્પષ્ટપણે નકારી કાઢીએ છીએ. તે તદ્દન ખોટા અને અસત્ય છે
આ સોદો સફળતાપૂર્વક પાર પડશે તો પોર્ટથી એરપોર્ટ્સ સેક્ટરમાં પગ જમાવ્યા બાદ અદાણી ગ્રુપ ફિનટેક સેક્ટરમાં પણ પ્રવેશ કરશે. તેનાથી તેમની સીધી ટક્કર ગૂગલ પે, વોલમાર્ટની માલિકીની ફોનપે અને મુકેશ અંબાણીની જિયો ફાઈનાન્સિયલ સાથે થશે.
વિજય શેખર શર્મા વન 97માં 19 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય રૂ.4,218 કરોડ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અદાણી અને શર્મા વચ્ચે થોડા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને મંગળવારે અમદાવાદમાં અદાણી કોર્પોરેટ હાઉસ ખાતેની તેમની મીટિંગમાં “ડીલની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવા”નો સમાવેશ થાય છે.
વન 97ના અન્ય નોંધપાત્ર શેરધારકોમાં ખાનગી ઈક્વિટી ફંડ સૈફ પાર્ટનર્સ (15%), જેક મા સ્થાપિત એન્ટફિન નેધરલેન્ડ્સ (10%) અને કંપનીના ડિરેક્ટર્સ (9%) છે. વન 97ની સ્થાપના વિજય શેખર શર્મા દ્વારા 2007માં કરવામાં આવી હતી અને જેનો IPO દેશમાં બીજા નંબરનો સૌથી મોટો હતો, તેનું માર્કેટ કેપ 21,773 કરોડ રૂપિયા છે.
પેટીએમ હાલમાં નિયમનકારી અને નાણાકીય સંકટ  સામનો કરી રહ્યું છે પરંતુ અદાણી ગ્રૂપ સાથે જોડાણ થયા બાદ રેગ્યુલેટરી અનુપાલન મુદ્દાઓને ઉકેલવા અને તેની કામગીરીને સ્થિર કરવા માટે જરૂરી મજબૂત નાણાકીય પીઠબળ પૂરું પાડશે.

LEAVE A REPLY