ન્યુ યોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિન્ડનબર્ગ રીસર્ચના એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપ અંગેના 106 પાનાના સનસનીખેજ રીપોર્ટથી શેરબજારના રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો. 24 જાન્યુઆરી 2023એ જારી થયેલ રીસર્ચ રીપોર્ટ પછી અદાણી ગ્રૂપના બજારમૂલ્યમાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં 70 બિલિયન ડોલરનું અસાધારણ ધોવાણ થયું હતું. અદાણી ગ્રૂપે વારંવાર નિવેદનો જારી કર્યા હોવા રોકાણકારોનો ગભરાટ શમ્યો ન હતો.
હિન્ડનબર્ગ રીસર્ચે તેના રીપોર્ટમાં અદાણી ગ્રૂપની કથિત નાણાકીય ગેરરીતિઓ, શેરોના ભાવમાં ગોટાળા, કૃત્રિમ રીતે શેરોના ભાવમાં 80 ટકા સુધીનો વધારો, મની લોન્ડરિંગ, ટેક્સ હેવન દેશોમાં અનેક શેલ કંપનીઓ સહિતના અનેક ગંભીર આક્ષેપો કર્યો હતા. તેમાં ગ્રૂપના વધતાં જતાં દેવા અંગે પણ ચિંતા વ્યક્ત કરીને અદાણીના શેરોમાં 85 ટકા સુધીના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી હતી.
જોગાનુજોગ આ રીપોર્ટ અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝની 2.5 બિલિયન ડોલરની ફોલો-ઓન-પબ્લિક ઓફર પહેલા આવ્યો હતો. અદાણી ગ્રૂપે હિન્ડબર્ગના તમામ આક્ષેપોનું ખંડન કર્યું હતું. અદાણી ગ્રૂપે અહેવાલની ટીકા કરતા અનેક નિવેદનો જારી કર્યા હતા અને તેના “પાયાવિહોણા” અને દૂષિત ગણાવ્યા છે. ગ્રૂપે ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO)ના થોડા દિવસો પહેલા જ રજૂ કરાયેલા રિપોર્ટના સમય પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
અદાણી ગ્રૂપનું ખંડન રોકાણકારોને શાંત કરવામાં નિષ્ફળ ગયું હતું અને સોમવાર સુધીના સતત સેશનમાં શેરોમાં ભારે ધોવાણ થયું હતું. રીપોર્ટને કારણે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી વિલ્મર, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ, અદાણી ગ્રીન એનર્જી, ACC, અંબુજા સિમેન્ટ્સ અને NDTV જેવી લિસ્ટેડ કંપનીઓના મૂલ્યમાં તીવ્ર ધોવાણ થયું હતું.
અદાણી ગ્રૂપના સીએફઓ જુગશિન્દર સિંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હિન્ડનબર્ગ અમારો સંપર્ક કર્યા વગર કે તથ્યોની ચકાસણી કરવા વગર રીપોર્ટ જારી કર્યો હોવાથી અમને આઘાત લાગ્યો છે. અદાણી ગ્રૂપે બીજું નિવેદન બહાર પાડીને કહ્યું કે તે હિન્ડનબર્ગ સામે ભારત અને અમેરિકામાં કાનૂની પગલાં લેવાનું વિચારી રહ્યું છે.
અદાણી ગ્રૂપના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા હિન્ડનબર્ગ રિસર્ચે જણાવ્યું હતું કે તે તેના અહેવાલના તારણો પર મક્કમ છે. ગ્રૂપે 88 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી. કંપનીની કાનૂની કાર્યવાહીની ધમકીઓ અંગે હિન્ડનબર્ગે જણાવ્યું હતું કે તે તેનું સ્વાગત કરશે.
હિન્ડનબર્ગના ગંભીર આક્ષેપોને અદાણી ગ્રુપે નકાર્યા
હિન્ડનબર્ગને કરેલા ગેરરીતિ અને શેરના ભાવમાં ચેડાના ગંભીર આક્ષેપોને અદાણી ગ્રૂપે ફગાવી દીધા હતા. અદાણી ગ્રૂપે 413 પેજનું નિવેદન જારી કરીને તમામ આક્ષેપોનું ખંડન કર્યું હતું. રવિવારે એક નિવેદનમાં અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે અમેરિકાની કંપનીનું આચરણ કાયદા મુજબ ગણતરીપૂર્વકના સિક્યોરિટી ફ્રોડ સિવાય બીજુ કંઈ નથી અને તે તેના પક્ષકારોને હિતોના રક્ષણ માટે યોગ્ય પગલાં લેશે. ગ્રૂપે જણાવ્યું હતું કે “આ માત્ર કોઈ એક કંપની પરનો જ બિનજરૂરી હુમલો નથી પરંતુ તે ભારત, ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા તથા ભારતની વૃદ્ધિગાથા અને મહત્વાકાંક્ષા પરનો ગણતરીપૂર્વકનો હુમલો છે.”
રાષ્ટ્રવાદના નામે કૌભાંડ છુપાવી ન શકાય
અદાણીના જવાબ અંગે પ્રતિક્રિયા આપતા હિન્ડનબર્ગે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદના નામે કૌભાંડને છુપાવી શકાય નહીં. અદાણી ગ્રૂપે અમારા મુખ્ય આરોપનો જવાબ આપ્યો નથી. હિન્ડનબર્ગે અદાણી ગ્રૂપને કુલ 88 સવાલો કર્યા હતા પરંતુ અદાણી ગ્રુપે 62 સવાલનો જવાબ આપ્યો હતો. અદાણી ગ્રૂપે રાષ્ટ્રવાદના મુદ્દા ઉઠાવીને વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે. અદાણી ગ્રૂપે તેના વીજળી વેગે વિકાસ અને તેના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિને ભારતની સફળતા સાથે જોડી દેવાનો પ્રયાસ કર્યો છે.અમે તેની સાથે અસંમત છીએ. સ્પષ્ટપણે કહીએ તો અમે માનીએ છીએ કે ભારત એક જીવંત લોકશાહી છે અને મજબૂત ભવિષ્ય સાથે ઉભરતી મહાસત્તા છે.
બિલિયોનર્સની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજાથી સાતમાં સ્થાને સરક્યા
હિન્ડનબર્ગના રીસર્ચ રીપોર્ટથી અદાણી ગ્રૂપના માર્કેટકેપમાં આશરે 70 બિલિયન ડોલરનું જંગી ધોવાણ થયું હતું. તેનાથી તેના ચેરમેન ગૌતમ અદાણી ફોર્બ્સની બિલિયોનેર્સની યાદીમાં ત્રીજાથી સાતમા સ્થાને સરક્યા હતા શેરોના ભાવમાં ભારે વેચવાલીને કારણે અદાણી ગ્રીન, અદાણી ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલ્મર, અદાણી પાવર, એનડીટીવીના શેરોમાં પાંચથી 20 ટકા સુધીની મંદીની સર્કિટો લાગી હતી.