અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટ્સ આશરે રૂ.10,422 કરોડમાં દક્ષિણ ભારતની પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ (PCIL)નો 100 ટકા હિસ્સો હસ્તગત કરશે એવી કંપનીએ ગુરુવારે જાહેરાત કરી હતી. પેન્ના ઇન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 1 કરોડ ટન છે. આંધ્ર પ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રમાં તેના કુલ ચાર ઈન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અને બે ગ્રાઈન્ડિંગ યુનિટ છે.
અદાણીએ 2027-28 સુધીમાં તેની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 14 કરોડ ટન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે જેના ભાગરૂપે આ એક્વિઝિશનનો નિર્ણય લીધો છે.
અંબુજા સિમેન્ટ્સે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું હતું કે આગામી 3-4 મહિનામાં આ ડીલ પૂરું કરી લેવાશે.
પેન્ના ઇન્ડસ્ટ્રીના પ્રમોટર ગ્રુપ પી. પ્રતાપ રેડ્ડી એન્ડ ફેમિલી પાસેથી તે સંપૂર્ણ હિસ્સો ખરીદી લેશે. આંતરીક નાણાકીય વ્યવસ્થા દ્વારા જ તે આ એક્વિઝિશન પાર પાડશે.
અદાણી 2027-28 સુધીમાં સિમેન્ટ માર્કેટમાં 20 ટકા હિસ્સો સર કરવા માગે છે અને આ માટે તેણે 14 કરોડ ટન ક્ષમતાનો ટારગેટ નક્કી કર્યો છે. કંપનીએ કહ્યું કે તે દક્ષિણ ભારતમાં તેનું માર્કેટ વિસ્તારવા માગે છે અને સમગ્ર દેશમાં સિમેન્ટ ક્ષેત્રે તેનું સ્થાન વધારે મજબૂત કરવા માગે છે. અગાઉ અદાણીએ દક્ષિણમાં તેનો વ્યાપ વધારવા એપ્રિલમાં તમિલનાડુમાં એક ગ્રાઈન્ડિંગ યુનિટ રૂ.413.75 કરોડમાં ખરીદી લીધું હતું.