નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના આશરે રૂ.43,500 કરોડ (આશરે 6 બિલિયન ડોલર)ના શેરોની માલિકી ધરાવતા ત્રણ વિદેશી ફંડ્સના એકાઉન્ટને ફ્રીઝ કર્યા છે તેવા મીડિયા અહેવાલને અદાણી ગ્રૂપે સોમવારે નકારી કાઢ્યા હતા. આ અહેવાલને પગલે અદાણી ગ્રૂપોના શેરોમાં ભારે ધોવાણ થયું હતું.
અદાણી ગ્રૂપે નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે આ અહેવાલ સંપૂર્ણપણે ભૂલભરેલા છે અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો તેનો હેતુ છે. આ અહેવાલથી રોકાણકારોને આર્થિક રીતે અને ગ્રૂપની પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે.
અગાઉ ઇકોનોમિક ટાઇમ્સે NSDLને ટાંકીને અહેવાલ આપ્યા હતા મોરેશિયલ ખાતેન ત્રણ ફંડ્સના આ એકાઉન્ટને 31મે અથવા તે પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આ ત્રણ વિદેશી ફંડ્સમાં અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડનો સમાવેશ થાય છે અને ત્રણેયનું એડ્રેસ પોર્ટ લુઇસ ખાતેનું છે.
વિદેશી રોકાણકોરોની કસ્ટોડિયન બેન્કો અને લો ફર્મના ટોચના અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ બેનિફિશયરી ઓનરશીપ અંગે પૂરતી માહિતના અભાવે આ ત્રણ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી આ ત્રણ ફંડ્સ કોઇ શેરનું વેચાણ કે ખરીદી કરી શકશે નહીં.
આ અહેવાલ અનુસાર આ ત્રણની અદાણી એન્ટરપ્રાઈઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા ભાગીદારી છે. આ ત્રણ ફંડ સેબીમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરીકે રજિસ્ટર્ડ છે અને મોરિશિયસથી કામકાજ ચાલી રહ્યું છે. આ ત્રણેયના પોર્ટ એક જ એડ્રેસ પર રજિસ્ટર્ડ છે અને તેમની કોઈ વેબસાઈટ નથી.
માનવામાં આવી રહ્યું છે કે, સેબી અદાણી ગ્રુપની કંપનીઓના શેરના પ્રાઈસ મેનિપ્યુલેશનને પણ તપાસી રહી છે. ગયા વર્ષે આ કંપનીઓના શેરોમાં 200થી 1000 ટકા સુધીની તેજી જોવા મળી હતી. આ બાબતના એક જાણકારે કહ્યું કે, સેબીએ 2020માં આ કેસની તપાસ શરુ કરી હતી જે હજી સુધી ચાલી રહી છે. આ વર્ષે અદાણી ગ્રૂપના શેરોમાં ભારે તેજીને પગલે ગૌતમ અદાણીની સંપત્તિમાં આશરે 40 બિલિયન ડોલરનો વધારો થયો હતો.