સમગ્ર વિશ્વમાં ઊર્જા ક્ષેત્રે જળવાયુ પરિવર્તનની જોખમી અસરોને ઘટાડવાની દિશામાં મહત્વના સૂચનો કરવામાં સહાયરૂપ નીવડે તે માટે લંડનમાં ‘ધ અદાણી ગ્રીન એનર્જી સાયન્સ મ્યુઝિયમ ગેલેરી’નું તાજેતરમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ઊર્જા ક્રાંતિ ક્ષેત્રે નવા દ્વાર ખોલતી આ એક ફ્રી ગેલેરી છે, જે જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસરોને મર્યાદિત કરવા માટે વિશ્વ કેવી રીતે વધુ સાતત્યપૂર્ણ ઊર્જા પેદા કરી તેનો ઉપયોગ કરી શકે તેનું સંશોધન કરવાના વિવિધ ઉકેલો દર્શાવશે. આ એનર્જી ગેલેરી સસ્ટેનેબલ ફ્યુચર અંગે સાયન્ટીફીક વિઝન દર્શાવશે. આ ગેલેરી દર્શાવે છે કે કેવી રીતે નવીનતા દ્વારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને આકાર આપી શકાય છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજે સાયન્સ મ્યુઝિયમ, લંડન ખાતે અદાણી ગ્રીન એનર્જી ગેલેરીનો ઉદ્ઘાટન દિવસ છે. સર ટિમોથી લોરેન્સ અને સર ઈયાન બ્લેચફોર્ડના નેતૃત્વમાં સાયન્સ મ્યુઝિયમ સાથેની ભાગીદારી પર અમને ગર્વ છે, જેણે આ અદભૂત ગેલેરીને વાસ્તવિકતા બનાવી છે. આ ગેલેરી સાતત્યતા, પરિવર્તનશીલ ટેકનોલોજી અને આબોહવા વિજ્ઞાનની સમજમાં મહત્વની ભૂમિકા ભજવશે.
યુકે અને વિદેશમાંથી સમકાલીન અને ઐતિહાસિક વસ્તુઓના આકર્ષક પ્રદર્શનો, ઇન્ટરેક્ટિવ ડિજિટલ પ્રદર્શનો અને ખાસ તૈયાર કરવામાં આવેલા મોડલ્સ દ્વારા, આ ગેલેરી સમૃધ્ધ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ગેલેરી બનાવવાની જાહેરાત 2021માં કરાઈ હતી. અમે આ ઊર્જા ક્રાંતિના કાર્યમાં સહયોગ આપીને આનંદની લાગણી અનુભવીએ છીએ. આ નવી ગેલેરી આપણને એ સૂચવવામાં મદદ કરશે કે આપણે કેવી રીતે કાર્બન ટેક્નોલોજીનો ઉપયોગ ઘટાડી ભવિષ્ય માટે સુરક્ષિત ઊર્જા પૂરી પાડી શકીએ.
અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે, આ ગેલેરીની સ્પોન્સરશિપ દ્વારા અમે યુવાનો, વૈજ્ઞાનિકો અને સંશોધનને ક્લીન એનર્જી અને કાર્બન ફ્રી વિશ્વની રચનાના પ્રોજેક્ટ વિશે વિચારવા પ્રેરિત કરવા ઈચ્છીએ છીએ. આ ગેલેરી તેમના રસ, જિજ્ઞાસા અને વિચારોને પ્રોત્સાહિત કરવા અને ક્લીન ટેક્નોલોજીના નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારીને વધારવાની એક પહેલ છે.
સાયન્સ મ્યુઝિયમે ઊર્જા સંક્રમણ પર વિશ્વની શ્રેષ્ઠ ક્યૂરેટેડ ગેલેરીને એકસાથે મૂકી છે. વિશ્વની સૌથી મોટી રીન્યુએબલ્ એનર્જી કંપનીઓમાંની એક તરીકે અમે નેટ ઝીરો તરફ પ્રગતિ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ગેલેરીના નિર્માણ માટે ભારતની સૌથી મોટી રિન્યુએબલ કંપની અદાણી ગ્રીન એનર્જીએ મહત્વનો ફાળો આપ્યો છે.