દેશની સૌથી મોટી પોર્ટ કંપની તરીકે પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે અદાણી ગ્રૂપ આંધ્રપ્રદેશ ખાતેના ગંગાવરમ્ પોર્ટનો અંકુશ મેળવવાની યોજના બનાવી રહ્યું છે. અદાણી ગ્રૂપે પ્રાઇવેટ ઇક્વિટી કંપની વોરબર્ગ પિનકસ પાસેથી ગંગાવરમ પોર્ટનો 31.5 ટકા હિસ્સો ખરીદવા માટે સમજૂતી કરેલી છે અને હવે પ્રમોટર્સ પાસેથી 58.1 ટકા હિસ્સો ખરીદવાની મંત્રણા ચાલુ કરી છે.
અદાણી રૂ.1,954 કરોડમાં વોરબર્ગનો હિસ્સો ખરીદશે. આ વેલ્યુએશનને આધારે ગંગાવરમના પ્રમોટર ડી વી એસ રાજુના હિસ્સાનું મૂલ્ય રૂ.3,662 કરોડ થાય છે. આ પોર્ટમાં બાકીનો 10.4 ટકા હિસ્સો આંધ્રપ્રદેશ સરકાર પાસે છે. આ પોર્ટની કેપેસિટી 64 મિલિયન ટનની છે. આ ખરીદીથી દેશના 12 પોર્ટ સાથે અદાણીનો બજારહિસ્સો 30 ટકા થશે. 13 બિલિયન ડોલરનું આ ગ્રૂપ દેશના સૌથી મોટા મુન્દ્રા પોર્ટની માલિકી ધરાવે છે. અદાણી ગ્રૂપે ગયા મહિને મહારાષ્ટ્રમાં દિઘી પોર્ટની ખરીદી કરી હતી.