File- logo of Adani

અદાણી ગ્રૂપે યુરોપ, આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં ઓછામાં ઓછા ત્રણ મોટા બંદરો ખરીદવાની યોજના બનાવી છે. કંપનીએ આગામી 3થી 5 વર્ષમાં તેની વૈશ્વિક પોર્ટ કેપિસિટીમાં વધારો કરવા માટે ત્રણ બિલિયન ડોલરનું ભંડોળ તૈયાર કર્યું છે.

હાલમાં દુનિયાભરમાં આયર્ન ઓર અને કોલસાની આયાતમાં વધારો થયો છે જેનો અદાણી જૂથ ફાયદો લઈ શકે છે. આ ઉપરાંત ફિનિશ્ડ ગુડ્સની નિકાસમાં પણ તેને ફાયદો થાય તેમ છે.

કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે અદાણી જૂથ કોસ્ટલ યુરોપ, આફ્રિકા અને સાઉથ ઈસ્ટ એશિયાના મોટા પોર્ટને ખરીદવાની વિચારણા કરી રહ્યું છે. આ પોર્ટની ખરીદીને કેશ રિઝર્વ, આંતરિક ભંડોળ અને ડેટ દ્વારા ફંડ કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી ત્રણ વર્ષમાં અદાણીની કંપની એપીસેઝની લગભગ 25 ટકા આવક ઈન્ટરનેશનલ પોર્ટમાંથી આવવા લાગે તે મુજબની યોજના છે.

હાલમાં અદાણી જૂથ ભારત ઉપરાંત ઈઝરાયલ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, તાન્ઝાનિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ મોટા પોર્ટ ધરાવે છે. અદાણી જૂથે વિયેતનામ, મલેશિયા અને ફિલિપાઈન્સમાં પોર્ટને લગતી પ્રવૃત્તિ માટે એમઓયુ પણ કર્યા છે.

અદાણી જૂથની ઓવરઓલ પોર્ટ કેપેસિટી હાલમાં 600 મિલિયન મેટ્રિક ટન છે જેને વધારીને બે વર્ષમાં 800 મિલિયન મેટ્રિક ટન સુધી લઈ જવા માગે છે. ઈન્ટરનેશનલ પોર્ટને હસ્તગત કરીને અદાણી પોતાની પોર્ટ હેન્ડલિંગ કેપેસિટી વધારી શકશે. હાલમાં ડોમેસ્ટિક સ્તરે તેની કેપેસિટી 420 એમએમટીની છે. ઈન્ટરનેશનલ ટ્રેડ રૂટમાં જ્યાં જ્યાં ચીનનો પ્રભાવ છે ત્યાં અદાણી પણ પોતાની હાજરી વધારશે.

ભારત સરકારે પણ વેસ્ટ એશિયા, આફ્રિકા અને યુરોપ સાથે વેપાર સંબંધોને મજબૂત બનાવવાની યોજના બનાવી છે. ભારતની સરકારે કેટલાક જી-20 દેશો સાથે એગ્રીમેન્ટ સાઈન કર્યા છે, જેના દ્વારા ઈન્ડિયા-મિડલ ઈસ્ટથી યુરોપનો ઈકોનોમિક કોરિડોર સ્થાપવામાં આવશે. આ કોરિડોરથી યુરોપ અને એશિયા વચ્ચે રેલવે અને શિપિંગ નેટવર્ક દ્વારા ટ્રાન્સપોર્ટેશન લિંક વધારવામાં આવશે.

 

LEAVE A REPLY