ભારતના બિલિયનેર્સ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં પ્રવેશ કરીને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીને પડકાર ફેંક્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એપીએલ) નામની સંપૂર્ણ માલિકીની એક નવી પેટાકંપની બનાવી છે. આ નવી કંપની રિફાઈનરી, પેટ્રોકેમિકલ્સ કોન્પ્લેક્સ અને સ્પેશ્યાલિટી કેમિકલ્સ યુનિટ બનાવશે. ભારતના ક્ષેત્રમાં હાલ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)નું પ્રભુત્વ છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ને રવિવારે આપેલી માહિતીમાં અદાણી એન્ટરપ્રાઈઝે જણાવ્યું છે કે, તેણે શુક્રવારે એક નવી સહયોગી કંપની બનાવી છે. આ કંપની એપીએલએ હજુ કામકાજ શરૂ કર્યું નથી. અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એપીએલ) અમદાવાદમાં 30 જુલાઈ 2021એ રજિસ્ટર કરવામાં આવી છે. અદાણી એન્ટરપ્રાઈઝે કહ્યું છે કે, અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિડેટ પાસે રૂ. 1 લાખની ઓથોરાઈઝ્ડ અને પેડ અપ શેર કેપિટલ છે.
ભારતના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણી સોલર પાવર મેન્યુફેક્ચરિંગ માટે બોલી લગાવવાનો વિચાર કરી રહ્યા છે. અત્યાર સુધી પેટ્રોલિયમ બિઝનેસ કરી રહેલા મુકેશ અંબાણી હવે ક્લીન એનર્જી સેક્ટરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોલર પાવર ક્ષેત્રમાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરવાનો પ્લાન બનાવ્યો છે. અદાણી ગ્રુપ પહેલેથી જ આ બિઝનેસમાં છે.
ભારતના બે સૌથી મોટા ઉદ્યોગપતિઓના જંગનો ફાયદો લોકોને મળવાની આશા છે. સોલર પાવરના ક્ષેત્રમાં બંને વચ્ચે સ્પર્ધાથી સોલર પાવરની કિંમતો ઘટવાની શક્યતા છે.