અદાણી ગ્રૂપ પર થયેલાં આક્ષેપોને પગલે એસએન્ડપી ડાઉ જોન્સે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ, અદાણી પોર્ટ્સ તથા અંબુજા સિમેન્ટને આગામી 7 ફેબ્રુઆરીથી તેના સસ્ટેઈનેબિલિટી ઈન્ડાઈસિસમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. અગાઉ બીએસઈ અને એનએસઈ દ્વારા અદાણી ગ્રૂપની આ ત્રણ કંપનીઓને શોર્ટ ટર્મ એડિશ્નલ સર્વેલન્સ મેઝર્સ (એએસએમ) પર મુકવાની જાહેરાત કરવામાં આવી હતી.
બીજી તરફ ફિચ રેટિંગ્સ અને મૂડી’ઝે અદાણી ગ્રૂપની કંપનીઓના રેટિંગ પર તાત્કાલિક અસર નહીં થાય તેમ કહ્યું છે. આથી કારણે શુક્રવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ગભરાટ ઓછો થયો હતો. ફિચ રેટિંગ્સે કહ્યું હતું કે, અદાણી ગ્રૂપની કંપનીઓના કેશ ફ્લો અંગેના તેના અંદાજમાં કોઈ નક્કર ફેરફારની શક્યતા નથી. નજીકના ગાળામાં ગ્રૂપની કંપનીઓના ઓફશોર બોન્ડની પાકતી મુદ્દત પણ નથી તેમ તેણે કહ્યું હતું. બીજી તરફ મૂડી’ઝે કહ્યું છે કે અદાણીના શેરમાં જે પ્રકારે ધોવાણ થયું છે તેનાથી ભવિષ્યમાં ફંડ ઊભું કરવાની તેની ક્ષમતા પર અસર થઈ શકે છે.
મૂડીઝ અને ફિચે અદાણી ગ્રૂપના ક્રેડિટ રેટિંગમાં 2025 સુધી કોઈ જોખમ નહીં હોવાનું જણાવતા તેના શેરોને જીવતદાન મળ્યું હતું. SBIએ શુક્રવારે કહ્યું હતું કે અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેનું કુલ રૂ.27,000 કરોડ જેટલું એક્સપોઝર છે જે તેની કુલ બુકના 0.88 ટકા છે. SBIના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું હતું કે અદાણી ગ્રૂપ સામે દેવું ચૂકવવાનો કોઈ પડકાર નથી, વળી શેરના બદલામાં તેને કોઈ લોન નથી અપાઈ, જેને કારણે સ્ટોક માર્કેટમાં ઊથલ-પાથલથી કોઈ ચિંતા નથી. જે પ્રોજેક્ટ માટે લોન આપી છે તેમાં મજબૂત એસેટ્સ છે અને પૂરતો કેશ ફ્લો છે. અદાણી ગ્રૂપનો રીપેમેન્ટનો ખૂબ સારો રેકોર્ડ છે.
અદાણી ગ્રૂપને બેન્કોની લોન અંગેના રીપોર્ટ વચ્ચે રીઝર્વ બેન્કે શુક્રવારે કહ્યું હતું કે, બેન્કિંગ સેક્ટર મજબૂત અને સ્થિર છે. આરબીઆઈ તમામ બેન્કો પર સતત નજર રાખી રહી છે. બેન્કોની કેપિટલ એડિક્વસી, એસેટ ક્વોલિટી, લિક્વિડિટી, પ્રોવિઝન કવરેજ, નફાકારતા મજબૂત છે. કોઈપણ બેન્ક રૂ. પાંચ કરોડ કે તેથી વધુનું ધિરાણ કરે તો તેના ડેટા આરબીઆઈને તરત મળી જાય છે. જમ્મુ-કાશ્મીર બેન્કે કહ્યું છે કે, અદાણી ગ્રૂપે રૂ. 400 કરોડની લોન પૈકી રૂ.150 કરોડ નાણા પરત ચૂકવી દીધાં છે.