અમેરિકા સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિન્ડબર્ગના રીપોર્ટને પગલે જાન્યુઆરીમાં અત્યાર સુધી સંપત્તિમાં આશરે 36 બિલિયન ડોલરના ધોવાણને પગલે ગૌતમ અદાણી વિશ્વના ટોપ 10 બિલિયોનેર્સની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયા છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં મંગળવાર, 31 જાન્યુઆરીએ જણાવાયું હતું.
અમદાવાદ સ્થિત 60 વર્ષીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે આ યાદીમાં 11મા ક્રમે આવી ગયા છે. તેમની કુલ સંપત્તિ આશરે 84.4 બિલિયન ડોલર છે. 29 જાન્યુઆરીએ તેમની નેટવર્થ 92.7 બિલિયન ડોલર હતી, જે સોમવારે ઘટીને 84.4 બિલિયર ડોલર થઈ હતી.
2022માં અદાણની સંપત્તિમાં સૌથી વધુ 40 બિલિયન ડોલરનો વાર્ષિક વધારો થયો હતો, પરંતુ હવે આ તમામ વધારો ધોવાઈ ગયો છે.
એક અઠવાડિયામાં અદાણીની નેટવર્થમાં 35.5 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો હતો. 20 નવેમ્બર 2022ના રોજ અદાણીની નેટવર્થ 150 બિલિયન ડોલર પર હતી. ગૌતમ અદાણીનું ગ્રુપ ભારતમાં સૌથી મોટું પોર્ટ ઓપરેટર છે. આ ગ્રુપ ભારતનો સૌથી મોટો થર્મલ કોલ પ્રોડ્યુસર અને સૌથી મોટો કોલ ટ્રેડર પણ છે.
ન્યુ યોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિન્ડનબર્ગ રીસર્ચના એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપ અંગેના 106 પાનાના સનસનીખેજ રીપોર્ટથી શેરબજારના રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો. 24 જાન્યુઆરી 2023એ જારી થયેલ રીસર્ચ રીપોર્ટ પછી અદાણી ગ્રૂપના બજારમૂલ્યમાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં 70 બિલિયન ડોલરનું અસાધારણ ધોવાણ થયું હતું. અદાણી ગ્રૂપે વારંવાર નિવેદનો જારી કર્યા હોવા રોકાણકારોનો ગભરાટ શમ્યો ન હતો.
હિન્ડનબર્ગ રીસર્ચે તેના રીપોર્ટમાં અદાણી ગ્રૂપની કથિત નાણાકીય ગેરરીતિઓ, શેરોના ભાવમાં ગોટાળા, કૃત્રિમ રીતે શેરોના ભાવમાં 80 ટકા સુધીનો વધારો, મની લોન્ડરિંગ, ટેક્સ હેવન દેશોમાં અનેક શેલ કંપનીઓ સહિતના અનેક ગંભીર આક્ષેપો કર્યો હતા. તેમાં ગ્રૂપના વધતાં જતાં દેવા અંગે પણ ચિંતા વ્યક્ત કરીને અદાણીના શેરોમાં 85 ટકા સુધીના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી હતી.