અદાણી ગ્રૂપ-હિન્ડનબર્ગના વિવાદને પગલે રોકાણકારોના હિતના રક્ષણ માટે એક સમિતિની રચના કરવા માટે સરકાર સંમત થઈ છે. આ વિવાદની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે અગાઉ નિયમનકારી માળખુ મજબૂત બનાવવા માટે એક સમિતિની રચના કરવાનું સૂચન કર્યું હતું. હિન્ડેનબર્ગ રિસર્ચના ફ્રોડના આક્ષેપોને કારણે અદાણી જૂથના શેરોમાં તાજેતરમાં બોલી ગયેલા કડાકાને પગલે રોકાણકારોના હિતો સાચવવા માટે સુપ્રીમે દરમિયાનગીરી કરી હતી.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે પેનલ રચવા સામે તેને કોઇ વાંધો નથી. જોકે તેની સાથે એવું પણ ઉમેર્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર સેબી અને અન્ય કાનૂની સંસ્થાઓ ‘સંપૂર્ણ સજ્જ’ છે. એ માત્ર સિસ્ટમની રીતે જ નહિ તેઓ સ્થિતિ સાથે પણ કામ પાર પાડવા સક્ષમ છે. સરકારે એક ‘બંધ કવર’માં પેનલના અધિકારના સ્કોપ અને નામો જેવી વિગતો આપવાની મંજૂરી માગી હતી.
સુપ્રીમ કોર્ટ અદાણી જૂથના શેરના મૂલ્યમાં ‘ કૃત્રિમરીતે તૂટવા’ અને નિર્દોષ રોકાણકારોના શોષણનો આક્ષેપ કરતી બે જાહેર હિતની અરજીઓ પણ સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે આ મામલે તેના (કોર્ટ) થકી આવેલી દરખાસ્ત સાથે તે સંમત છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એક વ્યવસ્થિત માળખું કેવીરીતે અમલમાં મુકી શકાય તે સુનિશ્ચિત કરવા માટે સેબી અને કેન્દ્રના અભિપ્રાયો પણ માગ્યા હતા કેમ કે મૂડીની હેરફેર હાલમાં પ્રમાણમાં સારી નથી.