વિશ્વવિખ્યાત મેગેઝિન ફોર્બ્સની એશિયાના સૌથી મોટા દાનવીરોની યાદીમાં ભારતીય બિલિયોનેર્સ ગૌતમ અદાણી, શિવ નાદર અને અશોક સૂતા તેમજ મલેશિયન-ભારતીય ઉદ્યોગપતિ બ્રહ્મલ વાસુદેવન અને તેમની વકીલ પત્ની શાંતિ કંડિયાહનું નામ સામેલ કરવામાં આવ્યું છે. ફોર્બ્સે મંગળવારે એશિયાના આ દાનવીરોની યાદી જાહેર કરી હતી.
આ યાદીમાં કોઈને રેન્કિંગ આપવામાં આવ્યું નથી. તેમાં એશિયા પેસિફિકના એવા લોકોના નામ સમાવાયા છે જેઓ લોકોના કલ્યાણ માટે પોતાની સંપત્તિનું દાન કરી રહ્યા છે. તેમાં કોર્પોરેટ દાનને ગણતરીમાં લેવાયું નથી. જે કંપનીમાં કોઈ વ્યક્તિ મેજોરિટી માલિકી ધરાવતી હોય તેના દાનને જ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે
ગૌતમ અદાણી ચાલુ વર્ષે જૂનમાં 60 વર્ષના થયા હતા. તે સમયે તેમણે 7.7 બિલિયન ડોલર (આશરે રૂ. 60,000 કરોડનું દાન કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેઓ ભારતના સૌથી મોટા દાનવીર બની ગયા છે. ગૌતમ અદાણી પોતાની સંપત્તિમાંથી જે રૂપિયા દાન માટે આપશે, તેનો ઉપયોગ હેલ્થકેર, શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે. આ મૂડી અદાણી ફાઉન્ડેશન દ્વારા ખર્ચ કરવામાં આવશે.
અદાણી જૂથ હાલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટી, પાવર જનરેશન, ટ્રાન્સમિશન,, મીડિયા અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ છે. ગૌતમ અદાણીએ તાજેતરમાં તેમનો 60મો જન્મદિવસ ઉજવ્યો ત્યારે તેમણે દાનકાર્યની યોજના જાહેર કરી હતી.
HCL ટેકનોલોજિસના શિવ નાદર પોતાની મહેનતથી આગળ આવેલા બિલિયોનેર અને દાનવીર છે. તેમણે છેલ્લા એક દાયકામાં લગભગ એક બિલિયન ડોલરનું દાન આપ્યું છે. તેઓ શિવ નાદર ફાઉન્ડેશન મારફત સામાજિક કાર્યો માટે દાન કરે છે. ચાલુ વર્ષમાં તેમણે 14.2 કરોડ ડોલર એટલે કે 11,600 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. શિવ નાદરે એચસીએલ ટેક્નોલોજીની સ્થાપના કરી હતી અને 2021માં કંપનીમાંથી એક્ઝિક્યુટિવની ભૂમિકા છોડી હતી. તેઓ શાળાઓ અને યુનિવર્સિટીઓ સ્થાપવા માટે દાન આપે છે.
ટેક્નોલોજી જગતમાંથી જંગી કમાણી કરનારા અશોક સૂટાએ મેડિકલ રિસર્ચ ટ્રસ્ટ માટે 600 કરોડ રૂપિયા (7.5 કરોડ ડોલર) દાનમાં આપ્યા છે. તેમણે 200 કરોડનું દાન આપીને SKAN (સાયન્ટિફિક નોલેજ ફોર એજિંગ એન્ડ ન્યુરોલોજિકલ) બીમારીઓ માટેના કેન્દ્રને મદદ કરી છે.
.