બિલિયોનોર ગૌતમ અદાણી અને ભારતની સૌથી મોટી હોસ્પિટલ ઓપરેટર એપોલો હોસ્પિટલ્સ હાલમાં મેટ્રોપોલિસ હેલ્થકેરનો બહુમતી હિસ્સો ખરીદવા મંત્રણા કરી રહ્યાં છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
આ ડીલ ઓછામાં ઓછા એક બિલિયન ડોલર (7765 કરોડ રૂપિયા)માં થવની ધારણા છે.. ગયા સપ્તાહમાં જ કેટલાક અખબારી અહેવાલો આવ્યા હતા કે અદાણી જૂથ હવે હેલ્થકેરમાં મોટા પાયે કામગીરી કરવા માંગે છે. આ માટે તે મોટી હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક ચેઈનમાં મેજોરિટી હિસ્સો ખરીદશે.
આ ઉપરાંત તે ડિજિટલ અને ઓફલાઈન ફાર્મસીમાં પણ મોટા પાયે પ્રવેશવાની તૈયારી ધરાવે છે. આ બિઝનેસ માટે અદાણી જૂથે ચાર અબજ ડોલર તૈયાર રાખ્યા છે જેનાથી તે હેલ્થકેર સેક્ટરમાં પોતાની હાજરી બનાવશે. અદણી જૂથે લાંબા ગાળાના ફંડિગ પ્લાન માટે રોકાણકારો અને ધિરાણકારો સાથે ચર્ચા શરૂ કરી છે. મેટ્રોપોલિસે 1980ના દાયકામાં એક સિંગલ લેબથી શરૂઆત કરી હતી. હાલમાં આ પેથોલોજી ચેઈન 19 રાજ્યોમાં કામગીરી ધરાવે છે તથા દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં વધુ મજબૂત હાજરી છે.
અદાણી જૂથ ભાારતના સૌથી મોટા બિઝનેસ સામ્રાજ્ય પૈકી એક છે અને તેની વાર્ષિક આવક 20 અબજ ડોલરથી વધારે છે. હાલમાં તે પાવર, ગ્રીન એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફૂડ પ્રોસેસિંગ, એરપોર્ટ સહિત બીજા ઘણા ઉદ્યોગોમાં સામેલ છે.