ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ અદાણી ગ્રૂપે CNGના ભાવમાં શનિવાર (2 એપ્રિલ)એ તોતિંગ વધારો ઝિંક્યો છે. હજુ 8 દિવસ પહેલાં જ અદાણી CNGના ભાવમાં રૂ. 1.50નો વધારો કરાયા બાદ શુક્રવારે ફરી રૂ. 5નો વધારો ઝીંકી દીધો છે. આમ, માર્ચ માસમાં અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં રૂ. 4.50નો વધારો કરાયા બાદ એપ્રિલના પ્રારંભે જ રૂ. 5નો વધારો કરી દેતા એક માસમાં જ રૂ. 9.50 જેટલો વધારો થયો છે. CNGના ભાવોમાં સતત વધારો થતાં રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે. હાલમાં અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 79.59 પર પહોંચી ગયો છે. માર્ચ માસમાં 1 માર્ચ, 10 માર્ચ અને 24 માર્ચ એમ ત્રણ વખત ભાવ વધારો થયો હતો. ત્યારબાદ 1 એપ્રિલના રોજ ભાવ વધારો થયો છે.
માર્ચ માસમાં CNGના ભાવમાં ત્રણ વખત વધારો થયો હતો. જેમાં અદાણીએ 1 માર્ચના રોજ CNGના ભાવમાં રૂ. 1નો વધારો કર્યો હતો. ત્યારબાદ પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામના દિવસે રૂ. 2નો તોતિંગ વધારો કરાયો હતો. ત્યારબાદ ફરી 24 માર્ચના રોજ રૂ. 1.50નો વધારો કરવામાં આવ્યો હતો.
રિક્ષાચાલકો પોતાની રીતે ભાડા વધારી વસૂલ કરશે
CNGના ભાવોમાં થઈ રહેલા સતત વધારાના પગલે રિક્ષાચાલકો અકળાયા છે. ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસો.ના પ્રમુખ રાજ શિરકેએ જણાવ્યું હતું કે, CNGના ભાવ વધારા સામે રિક્ષાચાલકો પોતાની રીતે ભાડા વસૂલશે. રિક્ષાનું મિનિમમ ભાડું રૂ. 18 છે તેના બદલે રિક્ષાચાલકો હવે રૂ. 30 વસૂલશે. ત્યારબાદ જ્યાં પણ ભાડામા રૂ. 30 હશે ત્યાં રૂ. 40 વસૂલશે. રૂ. 40 ભાડુ હશે ત્યાં રૂ. 50 વસૂલશે. આમ, નક્કી કરેલા ભાડામાં રૂ. 10નો વધારો લેશે. બીજી બાજુ રિક્ષાચાલક એસો.ના અગ્રણી વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, ભાવ વધારામા વિરોધમાં રિક્ષાચાલકો કાર્યક્રમ કરશે. માત્ર રિક્ષાચાલકો જ નહીં પરંતુ જનતાનો પણ સહકાર લેવાનું આયોજન કરાયું છે.