ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી જૂથે બુધવારે ગુજરાતમાં એક સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે કોરિયન કંપની પોસ્કો સાથે કરાર કર્યા હતા. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના સીઈઓ કરણ અદાણીએ પોસ્કોના સીઈઓ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, જે મુજબ ગુજરાતમાં રૂ. 37,500 કરોડના રોકાણ સાથે એક સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
આ એક બિન-બંધનકારી કરાર છે અને જો તે સાકાર થશે તો તે અદાણી જૂથ માટે સ્ટીલ ક્ષેત્રમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરશે. આ કરાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સ 2022નો એક ભાગ છે. આ કોન્ફરન્સ 10-12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં યોજાવાની હતી પરંતુ કોવિડ-19ના કેસોના પુનરુત્થાનને કારણે તેને મોકૂફ રાખવામાં આવી છે.
કરાર પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર બંને પક્ષ ગ્રીન ઇકો-ફ્રેન્ડલી ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા સહિત વ્યવસાયિક સહયોગ માટેની તકો શોધવા સંમત થયા હતા. તેમાં 5 અબજ ડોલર સુધીનું રોકાણ થવાની આશા છે. જમીન અધિગ્રહણના વિરોધમાં થોડા વર્ષો પહેલા પોસ્કોએ ઓડિશામાં 12 અબજ ડોલરનો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની તેની યોજનામાંથી પીછેહઠ કરવી પડી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અદાણી જૂથ અને પોસ્કો વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાજ્યના ઉદ્યોગ વિભાગ અને અદાણી ગ્રુપ અને પોસ્કો વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મુન્દ્રા ખાતેનો પ્રસ્તાવિત પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં તૈયાર થવાની ધારણા છે. તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 50 લાખ ટન હશે. નોંધપાત્ર રીતે તેમાં ગ્રીન એનર્જીનો પણ ઉપયોગ કરવામાં આવશે એમ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. આનાથી ગ્રીન બિઝનેસમાં પણ ભારતની સ્થિતિ મજબૂત થશે.