સ્ટીલ માંધાતા અને JSW ગ્રુપના 64 વર્ષીય મેનેજિંગ ડાયરેક્ટર સજ્જન જિંદાલ સામે 30 વર્ષની એક અભિનેત્રીએ બળાત્કારની ફરિયાદ દાખલ કરતા કોર્પોરેટ જગતમાં ચકચાર મચી હતી. બોમ્બે હાઇકોર્ટના આદેશ પછી મુંબઈ પોલીસે 13 ડિસેમ્બરે FIR દાખલ કરી હતી.
જોકે સજ્જન જિંદાલે રવિવારે (17 ડિસેમ્બર) તેમના પર લાગેલા બળાત્કારના આરોપોને ફગાવી દીધા હતા. સજ્જન જિંદાલે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘સજ્જન જિંદાલ આ ખોટા અને પાયાવિહોણા આરોપોને નકારી કાઢે છે. તેઓ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા પ્રતિબદ્ધ છે. તપાસ ચાલુ હોવાથી અમે આ તબક્કે વધુ ટિપ્પણી કરવાનું ટાળીશું. અમે તમને પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ.
પોલીસે જિન્દાલ સામે IPC 376 (બળાત્કાર), IPC 503 (ગુનાહિત ધાકધમકી), અને IPC 354 (એક મહિલા પર હુમલો) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. FIRમાં જણાવ્યા મુજબ આ ઘટના કથિત રીતે જાન્યુઆરી 2022માં જિંદાલની મુંબઈ ઓફિસમાં બની હતી. જિંદાલે કથિત રીતે મહિલાને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ઓફિસમાં બોલાવી હતી.
મહિલાએ તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે તે જિંદાલને તેમની ઓફિસમાં સાંજે 7 વાગે મળવા ગઈ હતી, જ્યાં તેમણે બિલ્ડિંગના પેન્ટહાઉસમાં તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જિંદાલે તેને બૂમો ન પાડવા કહ્યું હતું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ટેક્સ્ટ મેસેજ મારફતની વાતચીત દરમિયાન જિંદાલે તેની સાથે વધુ પડતો મૈત્રીપૂર્ણ વ્યવહાર કર્યો હતો અને પરિણીત હોવા છતાં રોમેન્ટિક લાગણીઓ પણ વ્યક્ત કરી હતી.
અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તેને આ વર્ષના ફેબ્રુઆરીમાં એફઆઈઆર દાખલ કરી ત્યારે પોલીસે કોઈ ધ્યાન આપ્યું ન હતું. જિંદાલના માણસોએ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી હતી. તેનાથી તેને બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ મુંબઈ પોલીસે જિંદાલ વિરુદ્ધ FIR નોંધી હતી.
મહિલાની ફરિયાદ અનુસાર તે 8 ઓક્ટોબર 2021એ IPLની એક મેચ દરમિયાન દુબઈના એક સ્ટેડિયમના VIP બોક્સમાં તેના ભાઈ સાથે જિંદાલને પહેલીવાર મળી હતી. બંનેએ કથિત રીતે ફોન નંબર એક્સચેન્જ કર્યા હતા અને મુંબઈમાં મળ્યા હતાં. જિંદાલે તેના ભાઇ પાસેથી પ્રોપર્ટી ખરીદવા રસ દર્શાવ્યો હતો. તેનો ભાઇ દુબઈમાં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ હતો.