ભારતમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અનેક ફિલ્મ કલાકારોએ ઝંપલાવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના શત્રુઘ્ન સિંહા બંગાળના આસનસોલથી વિજેતા થયા હતા. ભાજપના હેમામાલિની મથુરાથી ફરીથી સંસદમાં પહોંચ્યા છે. તેમની સ્પર્ધા કોંગ્રેસના ઉમેદવાર મુકેશ ધાનગર સાથે હતી. હેમામાલિનીએ 2.93 લાખ મતની જંગી સરસાઈથી જીત મેળવી હતી. યુવા અને વિવાદાસ્પદ અભિનેત્રી કંગના રનૌતે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ચૂંટણીમાં જીત મેળવી હતી. તેણે કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહને 74,755 મતની સરસાઈથી હરાવ્યા હતા.
કંગનાએ ચૂંટણીમાં જીતશે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત અગાઉ કરી હતી. સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપર સ્ટાર પવન કલ્યાણે પોતાનો અલગ પક્ષ બનાવી આંધ્ર પ્રદેશમાંથી ચૂંટણીમાં નસીબ અજમાવ્યું હતું. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં કથિત કૌભાંડના કેસમાં ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ થઈ હતી. ચંદ્રાબાબુને સમર્થન જાહેર કરીને પવન કલ્યાણે અલગ પક્ષ બનાવ્યો હતો. પવન કલ્યાણે પીઠાપુરમની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને રાજ્યની કુલ 21 વિધાનસભા બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા. આ તમામ ઉમેદવાર વિજયી થયા છે એનડીએના સાથી પક્ષ તરીકે પવન કલ્યાણના બે ઉમેદવાર લોકસભામાં વિજયી થયા છે. ચિરંજીવીના નાનાભાઈ પવન કલ્યાણના કારણે ચંદ્રાબાબુનો સત્તા સંભાળવનો માર્ગ સરળ થયો છે.
1980ના દાયકાની રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી સીરિયલ રામાયણમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલને ભાજપે ઉત્તરપ્રદેશના મેરઠમાંથી ટિકિટ આપી હતી. તેમનો ચૂંટણીમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર સુનિતા વર્મા સામે 10 હજારથી વધુ મતોથી જીત થઇ હતી.
ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર મનોજ તિવારીને ભાજપે દિલ્હીની નોર્થ-ઈસ્ટ બેઠક પર ટિકિટ હતી. તેમણે કોંગ્રેસના આંદોલનકારી યુવા નેતા કન્હૈયા કુમારને 1.37 લાખ મતે હરાવ્યા હતા. હિન્દી અને ભોજપુરી સિનેમાના લોકપ્રિય અભિનેતા રવિકિશને તાજેતરમાં રિલીઝ થયેલી ‘લાપતા લેડીઝ’માં નોંધપાત્ર અભિનય આપ્યો હતો. ભાજપે તેમને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાંથી ટિકિટ આપી હતી. તેમણે સમાજવાદી પક્ષના ઉમેદવાર કાજલ નિષાદને એક લાખથી વધુ મતે પરાજય આપ્યો હતો.
ભાજપ માટે કેરળમાં પ્રવેશ કરવાનું ઘણું કપરું હતું. ભાજપે મલયાલમ ફિલ્મોના અભિનેતા સુરેશ ગોપીને થ્રિસુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસ અને માર્ક્સવાદીઓનો ગઢ ગણાતી આ બેઠક પર તેમનો સીધો મુકાલબો આ બંને પક્ષના ઉમેદવાર સાથે હતો. અગાઉ રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા સુરેશ ગોપીએ 75 હજાર મતની સરસાઈથી આ ચૂંટણીમાં વિજેતા થયા હતા. આ સાથે તેઓ કેરળમાંથી ભાજપના એક માત્ર સાંસદ છે અને આ રાજ્યમાં ભાજપનું ખાતું ખોલાવ્યું છે.
સ્મૃતિ ઈરાનીની હાર
‘ક્યું કી સાસભી કભી બહુથી’ જેવી ટીવી સીરિયલથી લોકપ્રિય બનેલાં સ્મૃતિ ઈરાનીએ ભાજપના ટોચના નેતામાં સ્થાન મેળવ્યું છે. કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતી અમેઠી બેઠક પર તેમણે 2019માં રાહુલ ગાંધીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હવે આ વખતની ચૂંટણીમાં સ્મૃતિ ઇરાનીને ગાંધી પરિવારના વિશ્વાસુ અને કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ 1, 67,196 મતે હરાવ્યા છે. ભોજપુરી ફિલ્મોમાં નિરહુઆ તરીકે જાણીતા દિનેશલાલ યાદવે ઉત્તરપ્રદેશની આઝમગઢ બેઠક પરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા. સમાજવાદી પક્ષના ધર્મેન્દ્ર યાદવે તેમને 1.61 લાખ મતે હરાવ્યા હતા. બંગાળી એક્ટર્સ લોકેટ ચેટરજી (ભાજપ) અને રચના બેનરજી (તૃણમૂલ કોંગ્રેસ) વચ્ચે હુગલી બેઠક પર મુકાબલો હતો. રચનાએ 60 હજાર કરતાં વધુ મતે લોકેટને હરાવ્યા હતા.