બોલીવૂડમાં વીતેલા જમાનાની અભિનેત્રી નરગિસથી લઇને વર્તમાન યુવા કલાકાર કંગના રનૌત સુધી ઘણા એવા કલાકારો છે જેમણે દેશના રાજકારણમાં નસીબ અજમાવ્યું છે. અહીં એવા અનેક કલાકારોની રાજકીય સફરને રજૂ કરવામાં આવી છે.
રાજેશ ખન્ના (કોંગ્રેસ)
રાજીવ ગાંધીના કહેવાથી રાજેશ ખન્નાએ 1984માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. 1991ની લોકસભાની ચૂંટણીમાં નવી દિલ્હીની બેઠક પર એલ. કે. અડવાણી સામે તેઓ ફક્ત 1589 વોટથી હારી ગયા હતા. જોકે, 1992ની પેટા-ચૂંટણીમાં તેમણે આ જ બેઠક પરથી અભિનેતા શત્રુઘ્ન સિંહાને હરાવ્યા હતા. તેમણે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી લોકસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી પરંતુ ભાજપના વિજય પટેલ સામે તેમની હાર થઇ હતી.
રાજ બબ્બર (સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ)
રાજ બબ્બરે રાજકીય યાત્રાની શરૂઆત 1989થી કરી હતી. વી.પી. સિંહના જનતા દળમાં જોડાઇને 1994માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. 1999માં સમાજવાદી પાર્ટીમાં જોડાઇને આગ્રાની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. પક્ષના નેતાઓ સાથેના મતભેદને કારણે તેમને 2006માં પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. કોંગ્રેસમાં જોડાઈને તેઓ 2009માં ફિરોઝાબાદ પેટા ચૂંટણી લડ્યા અને વિજયી થયા. જોકે 2014ની અને 2019ની લોકસભાની બન્ને ચૂંટણીઓમાં તેમની હાર થઇ હતી.
વિનોદ ખન્ના (ભાજપ)
ભાજપમાં જોડાઈને વિનોદ ખન્ના ચાર વખત લોકસભા ચૂંટણીમાં પંજાબના ગુરુદાસપુરમાંથી ચૂંટાયા હતા. 2002માં તેઓ ભારત સરકારના સાંસ્કૃતિક અને પ્રવાસન પ્રધાન બન્યા હતા. ત્યારબાદ વિદેશ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કામ કર્યું. 2004માં ગુરુદાસપુરમાં ચૂંટાયા હતા. 2009ની ચૂંટણીમાં હાર્યા, અને 2014માં ફરીથી ચૂંટાયા. લોકસભાની 1998, 1999, 2004, 2014ની ચૂંટણીમાં વિજય મેળવ્યો હોય તેવા વિનોદ ખન્ના એક માત્ર ફિલ્મ અભિનેતા છે.
જયા બચ્ચનઃ (સમાજવાદી પાર્ટી)
તેઓ 2004માં સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. પ્રથમ કાર્યકાળ બે વર્ષનો હતો. પછી ફરીથી તેઓ 2006, 2012, 2018 અને 2024માં ચૂંટાયા હતા.
નરગીસ સુનિલદત્ત (કોંગ્રેસ)
વીતેલા જમાનાનાં પીઢ અભિનેત્રી નરગીસને 1980માં રાજ્યસભાનું સભ્યપદ મળ્યું હતું. તેના બે વર્ષ પછી, 1982માં નરગીસના પતિ અને અભિનેતા સુનીલ દત્તની એક વર્ષ માટે મુંબઈના શેરીફ તરીકે નિમણૂક થઈ હતી. 1984માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. સંસદમાં એમણે મુંબઈ નોર્થ-વેસ્ટ મતવિસ્તારનું પાંચ ટર્મ માટે પ્રતિનિધિત્ત્વ કર્યું. ડો. મનમોહન સિંઘની સરકારમાં તેઓ યુવા અને રમત ગમત પ્રધાન બન્યા હતા.
સ્મૃતિ ઈરાની (ભાજપ)
મૂળ ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાની તેમની સીરિયલોના કારણે લોકપ્રિય બન્યા હતા. ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’માં તુલસીની ભૂમિકા ભજવી તેઓ 2003માં ભાજપમાં જોડાયા હતા. 2004માં મહારાષ્ટ્ર યુવા ભાજપનાં વાઈસ પ્રેસિડેન્ટ બન્યાં. 2004માં 14મી લોકસભાની ચૂંટણીમાં તેઓ દિલ્હીના ચાંદની ચોક મતવિસ્તારમાંથી કપિલ સિબલ સામે હાર્યા હતા. 2011માં ગુજરાતના પ્રતિનિધિ તરીકે રાજ્યસભાનાં સભ્ય બન્યાં. 2014ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલ ગાંધી સામે તેમની હાર થઇ હતી. મોદી સરકારમાં તેઓ માનવ સંસાધન વિકાસ પ્રધાન બન્યાં. 2016માં તેમને કાપડ મંત્રાલય અને 2017માં માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપાઇ હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં તેમણે રાહુલ ગાંધીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. પછી સરકારમાં તેમને મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય સોંપાયું હતું.
કિરણ ખેર (ભાજપ)
તેઓ 2009માં ભાજપમાં જોડાયા. ચંડીગઢની મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને લોકસભા સુધીની ચૂંટણીઓમાં તેમણે ખૂબ પ્રચાર કર્યો. તેઓ 2014 અને 2019માં ચંદિગઢ મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા.
અમિતભ બચ્ચન (કોંગ્રેસ)
એક સમયે ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચે ગાઢ સંબંધ હતા. રાજીવ ગાંધીના કહેવાથી અમિતાભ બચ્ચને 1984માં અલ્લાહાબાદ મત વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણીમાં ઝૂકાવ્યું અને હેમવતીનંદ બહુગુણા જેવા નેતાને 68 ટકા જેવી સરસાઇથી હરાવ્યા હતા. કમનસીબે 1987માં બોફોર્સ કૌભાંડ બહાર આવ્યું, જેમાં અમિતાભ અને એમના ભાઈ અજિતાભની ખૂબ બદનામી થઈ. એ જ વર્ષે જુલાઈ મહિનામાં તેમણે સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું. પછી તેમની કંપની એબીસીએલને મોટું આર્થિક નુકસાન થયું હતું. તેમાંથી બહાર આવવા માટે મિત્ર અને સમાજવાદી પક્ષના નેતા અમરસિંહે એમને ખૂબ મદદ કરી. ગાંધી પરિવાર સાથે અંતર વધતું ગયું અને બચ્ચન પરિવાર સમાજવાદી પાર્ટીની નજીક આવી ગયો.
હેમા માલિની (ભાજપ)
હેમામાલિની 2004માં ભાજપમાં જોડાયા હતા. પરંતુ 2003થી 2009 અને પછી 2011-2012 દરમિયાન તેઓ રાજ્યસભાનાં સાંસદ હતા. 2010માં તેમની ભાજપનાં જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક થઇ હતી. 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ મથુરામાંથી વિજેતા થયા હતા. આ વખતે તેઓ ત્રીજીવાર ત્યાંથી ચૂંટણી મેદાનમાં છે.
શત્રુઘ્ન સિંહા (ભાજપ, કોંગ્રેસ, ટીએમસી)
રાજ્યસભાના સભ્ય તરીકે તેઓ બે વખત ચૂંટાયા હતા. 1996માં અને 2002માં અટલ બિહારી વાજપેઈની સરકારમાં તેમણે આરોગ્ય પ્રધાન અને શિપિંગ પ્રધાનની જવાબદારી સંભાળી હતી. 2009ની લોકસભાની ચૂંટણીમાં તેમણે પટના સાહિબ મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અને અભિનેતા શેખર સુમનને હરાવ્યા હતા. 2014ની લોકસભાની ચૂંટણી પણ તેઓ જીતી ગયા હતા. જોકે, ભાજપે તેમને 2019માં ટિકિટ ન આપતા તેઓ કોંગ્રેસમાં જોડાયા અને પટના સાહિબ મતવિસ્તારમાં ભાજપના રવિશંકર પ્રસાદ સામે હારી ગયા. 2022માં તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા અને 2022માં આસનસોલ પેટાચૂંટણી જીતીને તેઓ ફરીથી લોકસભાના સાંસદ બન્યા હતા.
ધર્મેન્દ્ર (ભાજપ)
બોલીવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ 2004માં બિકાનેરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. સંસદમાં તેમની ખૂબ જ ઓછી હાજરીના કારણે તેમની ટીકા પણ થઇ હતી.
ગોવિંદા (કોંગ્રેસ, શિવસેના)
ગોવિંદા કોંગ્રેસ જોડાયા અને મુંબઇમાં 2004માં લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ પણ સંસદમાં હાજર ન રહેતા ટીકાનો ભોગ બન્યા હતા. 2008માં ગોવિંદાએ રાજકારણને અલવિદા કહીને ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. તાજેતરમાં તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા.
સની દેઓલ (ભાજપ)
તેઓ 2019માં ભાજપમાં જોડાયા અને લોકસભાની ચૂંટણીમાં ગુરદાસપુર (પંજાબ)માંથી વિજેતા થયા હતા. તેઓ પણ સંસદમાં સતત ગેરહાજર રહેતા હતા. સંસદમાં તેમની હાજરી ફક્ત 18 ટકા જ હતી.
કંગના રનૌત (ભાજપ)
ભાજપની વિચારધાર ધરાવનાર યુવા અભિનેત્રી કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી મત વિસ્તારમાંથી વર્તમાન લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર છે.
આ સિવાય પણ નફિસા અલી, ઉર્મિલા માતોંડકર, ગુલ પનાગ, ચિરાગ પાસવાન, મૂનમૂન સેન, રાખી સાવંત જેવા કલાકારોએ પણ રાજકીય નસીબ અજમાવ્યું હતું.