ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડીએ)ઓ શનિવારે રેઝરપે, પેટીએમ અને કેશફ્રી જેવા ઓનલાઇન પેમેન્ટ ગેટ-વેના બેંગલુરુ ખાતેના છ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ચાઇનીઝ નાગરિકોના અંકુશ હેઠળના ઇન્સ્ટન્ટ લોન એપ્સમાં કથિત ગેરરીતિના કનેક્શનમાં આ કાર્યવાહી કરાઈ હતી. હાલમાં ઇડી મની લોન્ડરિંગ નિવારણ ધારા હેઠળ આવા ચાઇનીઝ લોન એપ્સ સામે તપાસ કરી રહી છે અને તેના ભાગરૂપે કાર્યવાહી કરાઈ છે.
ઇડીએ જણાવ્યું હતું કે ચીનના નાગરિકોના અંકુશ હેઠળના એકમોના મર્ચન્ટ આઇડી અને બેન્ક એકાઉન્ટમાં રાખવામાં આવેલા 17 કરોડનું ફંડ ટાંચમાં લેવામાં આવ્યું હતું. રેઝરપે અને કેશફ્રીએ જણાવ્યું હતું કે તેઓ ઇડીને સહકાર આપી રહ્યાં છે. જોકે પેટીએમએ ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
2020માં દેશમાં કોરોના મહામારી ફાટી નીકળ્યા પછીથી આ પેમેન્ટ ગેટ-વે કંપનીઓ ઇડીની નજરમાં છે. ઇડીએ મની લોન્ડરિંગ નિવારણ ધારા (PMLA)ની ક્રિમિનલ સેક્શન હેઠળ તપાસ ચાલુ કરી છે. આવા ચાઈનીઝ લોન એપ્સ પરથી ઊંચા વ્યાજે લોન લીધા બાદ વિવિધ રાજ્યોમાં દેવાદારોના મોતના સંખ્યાબંધ કિસ્સા બાદ આ કાર્યવાહી ચાલુ થઈ છે.
આ ચાઇનીઝ લોન એપ કંપનીઓએ લોનધારકોની અંગત માહિતી જાહેર કરી દેતી હતી અને લોનધારકોને ધાકધમકી આપીને તેમની સાથે બળજબરીપૂર્વક વસૂલી કરતી હતી. એવા આક્ષેપો થઈ રહ્યાં છે કે આ કંપનીઓ આવા એપ્સ ડાઉનલોડ કરતી વખત લોનધારકના પર્સનલ ડેટા મેળવી લેતી હતી.
ઇડીએ જણાવ્યું હતું કે આવી કંપનીઓની મોડસ ઓપરેન્ડી ભારતીય નાગરિકોના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતી હતી અને તેમને ડમી ડાયરેક્ટર્સ બનાવતી હતી. આવી કંપનીઓનો અંકુશ અને સંચાલન ચીનના નાગરિકોના હાથમાં છે. ઇડીની તપાસમાં બહાર આવ્યું છે કે આ કંપનીઓએ પેમેન્ટ ગેટવે-બેન્કોમાં રહેલા વિવિધ મર્ચન્ટ આઇડી-એકાઉન્ટ મારફત શંકાસ્પદ- ગેરકાયદેસર બિઝનેસ કરી રહી છે.