high court of Gujarat
હાઇ કોર્ટ ઓફ ગુજરાત, અમદાવાદ (istockphoto.com)

ગુજરાત હાઈકોર્ટે સોમવારે આરટીઆઈ કાર્યકર અમિત જેઠવાની હત્યાના કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ સોલંકી અને અન્ય છ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતાં. અગાઉ સીબીઆઇ કોર્ટે આ આરોપીને દોષિત જાહેર કર્યા હતાં અને આજીવન કેદની સજા ફટકારી હતી.

અમિત જેઠવાની 20 જુલાઈ, 2010ના રોજ અમદાવાદમાં હાઈકોર્ટ પરિસરની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. જેઠવાએ માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદા હેઠળ માહિતી માંગીને કથિત રીતે દિનુ સોલંકી સાથે સંકળાયેલી ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

હત્યા અને ગુનાહિત કાવતરાના કેસમાં સીબીઆઇ કોર્ટે સોલંકી અને અન્ય છને 2019માં આજીવન કેદની સજા અને રૂ.15 લાખ દંડ ફટકાર્યો હતો. પછીથી હાઈકોર્ટે દિનુ સોલંકી અને તેમના ભત્રીજા શિવા સોલંકીની આજીવન કેદની સજાને સ્થગિત કરી દીધી હતી. હાઇકોર્ટે તેના ચુકાદામાં અવલોકન કર્યા હતા કે ટ્રાયલ કોર્ટે દોષિત હોવાની પૂર્વનિર્ધારિત ધારણા સાથે કાર્યવાહી હાથ ધરી હતી.

અમિત જેઠવા હત્યા કેસમાં પકડાયેલા દીનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો હતો. અન્ય આરોપીઓમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) અને સંજય ચૌહાણનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY