સાઉથ કોરીઆમાં યોજાઈ ગયેલા તીરંદાજીના વર્લ્ડ કપમાં ભારતના અભિષેક વર્મા, અમન સૈની અને રજન ચૌહાનની મેન્સ કમ્પાઉન્ડ ટીમે શાનદાર દેખાવ સાથે સતત બીજા તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. હાઈવોલ્ટેજ ફાઈનલમાં ભારતે ૨૩૨-૨૩૦ના સ્કોરથી ફ્રાન્સને હરાવ્યું હતુ. ગયા મહિને – એપ્રિલમાં એન્ટાલ્યા ખાતે રમાયેલી વર્લ્ડ કપની અંતિમ ફાઈનલમાં પણ ભારતની આ જ ટીમે ફ્રાન્સને એક પોઈન્ટથી હરાવીને ગોલ્ડ જીત્યો હતો.
મોહન ભારદ્વાજે શાનદાર દેખાવ કરતાં વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. તેણે ફાઈનલ સુધીની સફર દરમિયાન બે વખતના વર્લ્ડ ચેમ્પિયન નિકો વિનેરને હરાવ્યો હતો.
ભારતના કમ્પાઉન્ડ ઈવેન્ટના શૂટરોએ નોંધપાત્ર દેખાવ સાથે એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. રીકર્વ ઈવેન્ટમાં ભારતની મહિલા ટીમ ફક્ત એક બ્રોન્ઝ જીતી શકી હતી.
અભિષેક વર્મા અને અવનીત કૌરની જોડીએ તુર્કીની અમીરકાન હાની અને આયેશ બેરા સુઝેરની જોડીને ૧૫૬-૧૫૫થી હરાવીને મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કૌરનો આ બીજો બ્રોન્ઝ હતો.