ગુજરાતના સુરત શહેરની એક કોર્ટે બુધવારે બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપમાં 23 વર્ષીય યુવકને ફાંસીની સજા ફટકારી હતી. આરોપીએ ફેબ્રુઆરીમાં આ રેપ અને હત્યા કરી હતી.
એડિશનલ સેશન્સ જજ શકુંતલા સોલંકીએ આરોપી યુસુફ ઈસ્માઈલને ફાંસીની સજા સંભળાવી હતી અને રાજ્ય સરકારને મૃતકના પરિજનોને ₹10 લાખનું વળતર ચૂકવવા જણાવ્યું હતું. ઈસ્માઈલને ઈન્ડિયન પીનલ કોડ (IPC) કલમ 302 (હત્યા) અને 376 (બળાત્કાર) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
ફરિયાદ પક્ષે આરોપી માટે મૃત્યુદંડની માંગણી કરી હતી અને દાવો કર્યો હતો કે તે ‘રેરેસ્ટ ઓફ રેર‘ કેસ છે.આ ઘટના સુરતના સચિન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર નજીક કપલેથા ગામની છે. ઈસ્માઈલ પીડિતાના પિતાનો મિત્ર હતો. 27 ફેબ્રુઆરીના રોજ, ઈસ્માઈલ છોકરીને નજીકની દુકાનમાં લઈ ગયો હતો અને કહ્યું કે તે તેને થોડો નાસ્તો ખરીદી આપશે. તેને બાળકી પર બળાત્કાર કર્યો અને છરી વડે તેની હત્યા કરી હતી. ત્યારબાદ તે ખુલ્લા મેદાનમાં લાશને ફેંકીને સ્થળ પરથી ભાગી ગયો હતો, પરંતુ બીજા દિવસે પોલીસે તેને પકડી લીધો હતો.